કેસમાંથી છૂટ્યા પછી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું....
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને આ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને તેમની સામે કરવામાં આવેલા આરોપો બદલ કોઈ પુરાવા ન મળતાં આ કેસમાંથી છોડી મૂકવામાં આવ્યાં છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે ત્યાર બાદ કહ્યું હતું કે ‘આ કેસે મારી જિંદગી બરબાદ કરી નાખી. આજે ભગવાની જીત થઈ છે, હિન્દુત્વની જીત થઈ છે. પાછલાં ૧૭ વર્ષમાં મારું જીવન બરબાદ થઈ ગયું. જેણે પણ ભગવાનું અપમાન કર્યું છે તેને ભગવાન જરૂર સજા આપશે.’
પ્રજ્ઞા સિંહ ઠાકુરની LML ફ્રીડમ મોટરસાઇકલ પર આ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞા સિંહ ઠાકુર પર એવા પણ આરોપ હતા કે તેમણે આ બ્લાસ્ટ કરવા માટે માણસો અરેન્જ કર્યા હતા, જ્યારે તેમના સાથી સહઆરોપી કર્નલ પ્રસાદ પુરોહિતે આ બ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટકો પૂરા પાડ્યા હતા.
ADVERTISEMENT
આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદપક્ષે એ સાબિત કર્યું હતું કે બ્લાસ્ટ થયો, પણ એ સાબિત નથી કરી શક્યો કે એ બ્લાસ્ટ જે મોટરબાઇક પર થયો એ પ્રજ્ઞા સિંહ ઠાકુરની જ હતી. મોટરબાઇકનો શૅસિ-નંબર ભૂંસી કાઢવામાં આવ્યો હતો અને એન્જિન-નંબર પણ શંકાસ્પદ હતો. એ મોટરબાઇકની માલિકી પ્રજ્ઞા ઠાકુરની જ હતી અને એ વખતે એ મોટરબાઇક તેમની પાસે હતી એ માટેના કોઈ પુરાવા નથી.
કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુર કોર્ટમાં જ હતાં. તેમણે કહ્યું હતું કે ‘હું શરૂઆતથી જ કહેતી આવી હતી. જો કોઈને તપાસ માટે બોલાવવામાં આવે તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. મને બોલાવવામાં આવી, મારી ધરપકડ કરવામાં આવી અને મને ટૉર્ચર કરવામાં આવી જેને કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હું તો સાધ્વીજીવન જીવી રહી હતી, પણ મને આરોપી બનાવવામાં આવી. અમને કોઈ સહકાર આપવા પણ તૈયાર નહોતું. હું આજે જીવતી છું કારણ કે હું સંન્યાસી છું. તેમણે કાવતરું કરીને ભગવાને બદનામ કરવાની કોશિશ કરી. આજે ભગવાની જીત થઈ છે, હિન્દુત્વની જીત થઈ છે અને જે લોકો આ માટે જવાબદાર છે તેમને ભગવાન જરૂર સજા કરશે.’
ટૉર્ચર કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કર્યો
પ્રજ્ઞા ઠાકુરની ધરપકડ બાદ તેમણે વારંવાર કહ્યું હતું કે તેમને ત્રાસ આપવામાં આવે છે અને ટૉર્ચર કરવામાં આવે છે. એ પછી ૨૦૧૪માં આ સંદર્ભે નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને તેમણે કરેલા આક્ષેપની તપાસ કરવા કહેવાયું હતું, પણ તેમના આક્ષેપોના કોઈ પુરાવા નહોતા મળી આવ્યા.
ATSના ચીફ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો
પ્રજ્ઞા સિંહ ઠાકુરે એ વખતે કેસની તપાસ કરી રહેલી ATSની ટીમના વડા હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો. પ્રજ્ઞા સિંહ ઠાકુરે આ બાબતે કહ્યું હતું કે ‘કેસની તપાસ કરી રહેલી ટીમે હેમંત કરકરેને કહ્યું પણ હતું કે તેની સામે (પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે) જો પુરાવા નથી મળી રહ્યા તો તેમને છોડી દો. હેમંત કરકરેએ એ વખતે કહ્યું હતું કે હું ગમે એમ કરીને પુરાવા શોધી લાવીશ, પણ તેને તો નહીં જ છોડું. આ પ્રકારે તે મને નફરત કરતા હતા. મેં તેમને શ્રાપ આપ્યો હતો કે તેરા સત્યાનાશ હોગા. એના એક મહિના પછી આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા.’
જોકે હેમંત કરકરેના મૃત્યુ પછી પ્રજ્ઞા સિંહ ઠાકુરે તેમના શબ્દો પાછા ખેંચ્યા હતા અને તેમને શહીદ ગણાવ્યા હતા.
બાઇક અને બ્લાસ્ટ
શરૂઆતમાં કેસની તપાસ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે કરી હતી. તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે LML ફ્રીડમ બાઇકનો રજિસ્ટ્રેશન-નંબર બોગસ હતો. શૅસિ અને એન્જિન-નંબર પણ ભૂંસી નાખવામાં આવ્યા હતા. મોટરબાઇકના બચેલા અવશેષો ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસકર્તાઓનું કહેવું હતું કે એ તપાસ અંતર્ગત એન્જિન-નંબર મેળવવામાં આવ્યો હતો અને એ પછી એ બાઇક પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામ પર રજિસ્ટર કરાયેલી હોવાનું જણાઈ આવ્યું હતું. ૨૦૦૮ની ૨૩ ઑક્ટોબરે પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી.

