નાની વાત વણસી જવાથી થયેલા ઝઘડામાં અનર્થ સર્જાયો
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદરના ઉત્તનમાં બુધવારે રાતે ઘરમાં થયેલા એક મામૂલી વિવાદમાં જુવાનજોધ દીકરાએ માતાને પિતાના ક્રોધથી બચાવવા જતાં પોતાનો જીવ આપી દીધો હતો. એ અભાગી માતાએ દીકરો પણ ગુમાવ્યો હતો અને હવે પતિને પણ હત્યાના ગુનાસર પોલીસે પકડી લેતાં તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાના દિવસે તેમના ભત્રીજાનાં લગ્નમાં હાજરી આપવાના મુદ્દે ઘરમાં વિવાદ થયો હતો. એથી ૪૬ વર્ષના બિંદેશ સોની અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વણસી જતાં બિંદેશે પિત્તો ગુમાવ્યો હતો અને ઘરના કિચનમાં વપરાતું ધારદાર ચાકુ લઈને પત્નીને મારવા દોડ્યો હતો. એ વખતે તેના ૨૪ વર્ષના દીકરા અભયે જોયું કે ગુસ્સે ભરાયેલા પપ્પા મમ્મીને મારી નાખશે એટલે તે મમ્મીને બચાવવા વચ્ચે પડ્યો હતો અને પપ્પાએ મારેલા ચાકુના ઘા પોતાના પર ઝીલી લીધા હતા એટલે તે લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યો હતો. આ ઘટનાને લીધે હોબાળો મચી ગયો હતો. પાડોશીઓ અને પરિવારના અન્ય સભ્યો તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા હતા. જોકે ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ઉત્તન પોલીસને આ ઘટનાની જાણ થતાં એ પણ સ્પૉટ પર પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લઈને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
