Spy Camera in Train Toilet: અમદાવાદ રેલવે પોલીસ ફોર્સ (RPF) દ્વારા ટ્રેનના શૌચાલયમાંથી સ્પાઈ કૅમેરો મળી આવ્યો હતો, જે પાવર બૅન્કની અંદર છુપાવવામાં આવ્યો હતો. આ કૅમેરા મહિલાઓના ગૂપ્ત વીડિયો બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. જાણો સમગ્ર મામલો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
કી હાઇલાઇટ્સ
- ટ્રેનના ટોઇલેટમાં છુપાયેલા સ્પાઈ કૅમેરાથી મહિલાઓના ગૂપ્ત વિડિયો બનાવાતા હતા.
- વાયુસેનાના જવાને કૅમેરો શોધી RPFને જાણ કરતા હાઉસકીપર ઝડપાયો.
- પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના રાજકોટમાં ખાનગી હૉસ્પિટલના સીસીટીવી હૅક થવા અને મહિલાઓના વીડિયો લીક થવાના મામલાએ દેશભરમાં હોબાળો મચી ગયો હતો. હવે એવા જ એક નવાં કિસ્સામાં ટ્રેનના ટોઇલેટમાં સ્પાઈ કૅમેરા લગાવીને મહિલાઓના વીડિયો બનાવવાની ઘટના સામે આવી છે. આ ચોંકાવનારા કિસ્સામાં રેલવે પોલીસે એક હાઉસકીપિંગ કર્મચારીને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં મુંબઈના જહીઉદ્દીન શેખને ઝડપી લેવામાં આવ્યો છે, જે ટ્રેનમાં હાઉસકીપર તરીકે કામ કરે છે.
ટ્રેનના ટોઇલેટમાં કૅમેરો મળી આવ્યો
અમદાવાદ રેલવે પોલીસ ફોર્સ (RPF) દ્વારા ટ્રેનના શૌચાલયમાંથી એક સ્પાઈ કૅમેરો (Spy Camera) મળી આવ્યો હતો, જે પાવર બૅન્કની અંદર છુપાવવામાં આવ્યો હતો. આ કૅમેરા મહિલાઓના વીડિયો બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. આ ઘટના 16 માર્ચના રોજ મુંબઈથી ભગત કી કોઠી જતી ટ્રેનમાં બની હતી.
ADVERTISEMENT
કેવી રીતે ફૂંટયો ભાંડો?
આ ઘટનાનો ખુલાસો એક વાયુસેનાના જવાને કર્યો હતો. શૌચાલયમાં શંકાસ્પદ ઉપકરણ દેખાયા બાદ તપાસ કરતા એક પાવર બૅન્ક મળી આવી, જેમાં કેમેરો છુપાયેલો હતો. જવાને તરત રેલવે પોલીસને જાણ કરી. આ ગુનામાં શંકાસ્પદ વ્યક્તિ જહીઉદ્દીન શેખને ઝડપી લેવામાં આવ્યો છે, જે મુંબઈનો રહેવાસી છે અને ટ્રેનમાં હાઉસકીપર તરીકે કામ કરે છે.
પોલીસ તપાસ
જહીઉદ્દીન શેખ વિવિધ ટ્રેનોમાં હાઉસકીપર તરીકે કામ કરતો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું તેણે બીજી કોઈ ટ્રેનમાં આવા કૅમેરા લગાવ્યા છે? વધુમાં, આ સ્પાઈ કૅમેરાથી મેળવેલા વીડિયોઝ ક્યાં સ્ટોર કરવામાં આવતા હતા અને તે કોને મોકલવામાં આવતા હતા, આ અંગે પણ તપાસ ચાલુ છે. ટ્રેનના શૌચાલયોમાં સ્પાઈ કૅમેરો મળવો અને તેમાં ટ્રેનના હાઉસકીપર કર્મચારીઓની સંડોવણી મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
આ પહેલાં પણ સીસીટીવી હૅકિંગનો કિસ્સો
વિશેષ એ છે કે થોડા જ દિવસો પહેલાં રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલમાં પૈસા કમાવા લજ્જા-શરમને નેવે મૂકીને નિર્લજ્જતાની હદ વટાવતાં વિકૃતિ ધરાવતાં તત્ત્વોએ હૉસ્પિટલમાં ચેકઅપ કરાવવા જતી મહિલા દરદીઓની ૭ વિડિયો-ક્લિપ યુટ્યુબ પર અપલોડ કરતાં હોબાળો મચી ગયો હતો. એટલું જ નહીં, અપલોડ થયેલા વિડિયો પૈકીનો એક વિડિયો રાજકોટની પાયલ મૅટરનિટી હૉસ્પિટલનો હોવાની વિગતો બહાર આવતાં ગઈ કાલે રાજકોટ સાઇબર ક્રાઇમે હૉસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. યુટ્યુબ પર મહિલા દરદીઓના ચેકઅપના વિડિયો વાઇરલ કરીને એના જેવા બીજા વિડિયો જોવા માટે ૯૦૦થી ૧૪૯૯ રૂપિયામાં સબસ્ક્રાઇબ કરો એવી જાહેરાતથી હોબાળો મચ્યો હતો. મહિલાઓને ઇન્જેક્શન આપતા, થેરપીના, બ્રેસ્ટ એક્ઝામિનેશનના, એક્સરે સહિતના ચેકઅપના વિડિયો હોવાનું જણાવીને અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા નિર્લજ્જ લોકોએ વિડિયોના વેપલાનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધર્યું હતું.

