MMRCએ ૮૦૦ બિલ્ડિંગનો સર્વે શરૂ કર્યો, રહેવાસીઓને ID કાર્ડ, પ્રૉપર્ટી ડૉક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જણાવાયું.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 11
વડાલા અને ગેટવે ઑફ ઇન્ડિયાને જોડતી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 11 બનાવવા માટે ૮૦૦ જેટલાં બિલ્ડિંગનો મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC) દ્વારા સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બધાં જ બિલ્ડિંગના રહેવાસીઓને તેમના આઇડેન્ટિટી (ID) કાર્ડ તથા પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે તૈયાર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સર્વે દરમ્યાન વડાલા અને ગેટવે ઑફ ઇન્ડિયાને જોડતા પ્રસ્તાવિત કૉરિડોરની આડે આવતાં બાંધકામોની વિડિયોગ્રાફી, મેઝરમેન્ટ, ફોટોગ્રાફી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટની અસર ૮૦૦ બિલ્ડિંગને થવાની હોવાથી સોશિયો-ઇકૉનૉમિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ૧૭.૫ કિલોમીટર લાંબી આ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનનું કામ શરૂ થાય એ પહેલાં જ પ્રૉપર્ટીનું અસેસમેન્ટ કરીને એના ડૉક્યુમેન્ટેશન થઈ શકે એ માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ માટે MMRCના રીહૅબિલિટેશન ઍન્ડ રીસેટલમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે પબ્લિક નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી જેમાં પ્રૉપર્ટીના માલિકોને તથા એનો તાબો ધરાવનારાઓને સર્વે-ટીમ સાથે સહકાર કરવાની તથા એ જે દસ્તાવેજો માગે એ તેમને આપવાનું જણાવવામાં આવ્યું હતું.
