શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સરકાર તૈયાર છે, પણ વિરોધ પક્ષ એના પર રાજનીતિ રમે છે એવો આક્ષેપ કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
દેવેન્દ્ર ફડણવીસ
બિનઅનુદાનિત સ્કૂલોને ગ્રાન્ટ આપવાનું જાહેર થયાના ૧૦ મહિના બાદ પણ ગ્રાન્ટ મળતી ન હોવાથી રાજ્યભરના શિક્ષકોએ બે દિવસ મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન કર્યું હતું. તેમના પ્રશ્નોને ઉકેલવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તૈયારી બતાવી હતી. વિધાનસભાના સત્રમાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વિરોધ પક્ષ આવા મુદ્દા પર પણ રાજકારણ રમતો હોવાની આકરી ટીકા તેમણે કરી હતી.
આંદોલન પર ઊતરેલા શિક્ષકોની માગણી હતી કે સરકારે ગ્રાન્ટ વધારવાની જાહેરાત કર્યા બાદ પણ સ્કૂલોને પૂરી ગ્રાન્ટ મળી નથી અને જેટલી ગ્રાન્ટ મળે છે એ હપ્તે-હપ્તે મળે છે જેને લીધે સ્કૂલ મૅનેજમેન્ટમાં મુશ્કેલી આવે છે. મુખ્ય પ્રધાને આશ્વાસન આપ્યું હતું કે ‘અમે વાયદો કર્યો છે તો અમે ગ્રાન્ટ આપીશું જ, પણ અમારી પણ કોઈ સમસ્યા હશે. જલદી જ આ બાબતે તેમના પ્રતિનિધિ સાથે ચર્ચા કરીશું.’
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષ અમારી સામે એક આંગળી કરે છે તો ચાર આંગળી તેમના તરફ હોય છે એ યાદ રાખવું જોઈએ. ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ અઢી વર્ષ રહી ત્યારે તેમણે પણ શિક્ષકોને ગ્રાન્ટના રૂપિયા આપ્યા નહીં. આ રાજકારણનો મુદ્દો નથી તો પણ એને રાજકારણના રંગમાં રંગવામાં આવે છે.’
BJPના નેતા ગિરીશ મહાજને આંદોલનકારી શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. એ પહેલાં ગઈ કાલે સવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે શિક્ષકોને મળીને તેમની માગણીઓને ટેકો આપ્યો હતો. તેમણે રાજ્ય સરકારને સંબોધીને સૂચન કર્યું હતું કે શિક્ષકોની સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક આવવો જોઈએ.
ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવા માટે સરકાર કટિબદ્ધ
મહારાષ્ટ્રમાં ધર્માંતરણવિરોધી કડક કાયદો બનાવવાની ખાતરી રાજ્યના મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપી હતી. વિધાનસભાના સત્ર દરમ્યાન BJPના અનુપ અગ્રવાલે ધર્માંતરણ મુદ્દે સવાલ કરતાં ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે કડક જોગવાઈઓ ધરાવતો ધર્માંતર વિરુદ્ધનો કાયદો કેવી રીતે અમલી બનાવી શકે એ બાબતે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરશે. જો કાયદો કડક હશે તો રાજ્યમાં ધર્માંતરણ બંધ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
ચંદ્રશેખર બાવનકુળેએ ધુળે-નંદુરબાર વિસ્તારમાં આવેલા ગેરકાયદે ચર્ચને આવતા છ મહિનામાં તોડી પાડવાનો આદેશ ડિવિઝનલ કમિશનરને આપ્યો છે. છ મહિનાનો સમય કેમ લાગશે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ગેરકાયદે ચર્ચ તોડી પડતાં પહેલાં તેમની ફરિયાદોનું નિવારણ પણ લાવવું પડશે.

