રાજ ઠાકરેનાં બહેનના ઘરે પરિવાર સાથે મળ્યા
ભાઈબીજ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પૂજા કરતાં બહેન જયજયવંતી ઠાકરે દેશપાંડે, પહેલી પેઢીના પગલે-પગલે બીજી પેઢીએ પણ ભાઈબીજની ઉજવણીમાં ભાગ લીધો હતો.
રાજ ઠાકરેનાં બહેન જયજયવંતી ઠાકરેના દાદરના ઘરે ગઈ કાલે ભાઈબીજનો પ્રસંગ રંગેચંગે ઊજવાયો હતો. ભાઈ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે તેમના ઘરે આવ્યા હતા. પારિવારિક હસીખુશીના માહોલમાં આ પ્રસંગ પાર પડ્યો હતો. ૨૦૦૪ પછી ૨૧ વર્ષ બાદ પહેલી વાર ઉદ્ધવ ઠાકરે કઝિન બહેન જયજયવંતીના ઘરે ભાઈબીજ માટે ગયાં હતાં. બહેન જયજયવંતીએ
કંકુ-ચોખાથી તિલક કરી તેમના સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી આરતી ઉતારીને મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ ઠાકરેના દીકરા અમિત અને ઉદ્ધવ ઠાકરેના દીકરાઓ આદિત્ય અને તેજસ સાથે તેમના કઝિન ભાઈની પણ તેમની કઝિન બહેને તિલક કરી, પૂજા કરીને ભાઈબીજ ઊજવી હતી.
આમ ઠાકરે બંધુઓ પારિવારિક પ્રસંગોએ મન મેળવીને હળતા-મળતા થયા છે ત્યારે તેઓ રાજકીય રીતે સાથે મળીને લડે એવી જાહેરાત ક્યારે કરે છે એની ઇન્તેજારી બન્નેના સમર્થકોમાં હાલ જોવા મળી રહી છે.


