૮૩ વર્ષના વડીલની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીને બારોબાર ૧૪ લાખ રૂપિયા ઉપાડી લેનારને પોલીસ શોધી રહી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેમાં રહેતા ૮૩ વર્ષના વડીલની બૅન્કમાં રાખેલી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તેમની જાણ બહાર જ પાકવાની મુદત પહેલાં તોડી કાઢવામાં આવી અને થોડા-થોડા કરીને FDના ૧૪.૮૭ લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા. ૧૦ મહિના બાદ તાજેતરમાં જ વડીલને પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે ખ્યાલ આવતાં તેમણે રાબોડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ-ફરિયાદ મુજબ ૮૩ વર્ષના વડીલ અને તેમની પત્નીનું એક પ્રાઇવેટ બૅન્કમાં જૉઇન્ટ અકાઉન્ટ છે, જેમાં તેમણે અમુક ચોક્કસ રકમની FD કરી રાખી છે. ફરિયાદીએ કરેલા આક્ષેપ મુજબ કોઈ અજાણી વ્યક્તિએ ઑનલાઇન બૅન્કિંગ સિસ્ટમ ટ્રેસ કરીને તેમની FD પાકે એ પહેલાં જ તોડાવી કાઢી હતી. ત્યાર બાદ ૧૦ મહિનાના સમયમાં થોડા-થોડા કરીને ૩ ડિજિટલ ટ્રાન્ઝૅક્શન દ્વારા કુલ ૧૪,૮૭,૦૨૨ રૂપિયા તેમના જૉઇન્ટ અકાઉન્ટમાંથી ઉપાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ-ફરિયાદ નોંધાયા બાદ રાબોડી પોલીસે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

