Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેનાં મેયરના ડ્રાઇવરની દાદાગીરી: પાર્કિંગના વિવાદમાં જાણીતી ચૅનલના કૅમેરામૅન પર કર્યો હુમલો

થાણેનાં મેયરના ડ્રાઇવરની દાદાગીરી: પાર્કિંગના વિવાદમાં જાણીતી ચૅનલના કૅમેરામૅન પર કર્યો હુમલો

Published : 21 October, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થિતિની ગંભીરતા જોઈને નૌપાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઇવર સુનીલ ખરપડેને અટકાયતમાં લીધો છે.

પાર્કિંગના વિવાદમાં જાણીતી ચૅનલના કૅમેરામૅન પર હુમલો થયો હતો.

પાર્કિંગના વિવાદમાં જાણીતી ચૅનલના કૅમેરામૅન પર હુમલો થયો હતો.


થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના મુખ્યાલયના ગેટ સામે જ મેયર શર્મિલા પિંપળોલકરના ડ્રાઇવર સુનીલ ખરપડેની દાદાગીરીનો એક વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થયો હતો. વાહન-પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ મેયરનો ડ્રાઇવર જાણીતી ન્યુઝ-ચૅનલના કૅમેરામૅન વિનય રાજભરને અપશબ્દો બોલ્યો હતો અને ત્યાર બાદ તેનો કૉલર પકડીને આડેધડ મારપીટ કરી હતી. આ હુમલામાં કૅમેરામૅન વિનય રાજભરને ગંભીર ઈજા થઈ છે. ઘટના સમયે ગેટ પર હાજર ‌સિક્યૉ‌રિટી-ગાર્ડ્‍સે કોઈ મધ્યસ્થી કરી નહોતી. આ ઘટના બાદ ભારે રોષ ફેલાયો છે અને થાણે દૈનિક પત્રકાર સંઘ સહિત વિવિધ સ્તરેથી પત્રકાર પરના આ હુમલાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતા જોઈને નૌપાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઇવર સુનીલ ખરપડેને અટકાયતમાં લીધો છે.

બીજી તરફ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં થાણેનાં મેયર શર્મિલા પિંપળોલકરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઘટના સમયે હું ત્યાં હાજર નહોતી, પરંતુ વિડિયો જોયા બાદ મેં TMCના અધિકારીઓને ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મેયરે વધુમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરવો કે મારપીટ કરવી એ સંપૂર્ણપણે ખોટું અને અસ્વીકાર્ય છે, પછી ભલે એ મારો પોતાનો ડ્રાઇવર જ કેમ ન હોય. તેઓ આવી કોઈ પણ હિંસક કે ગેરવર્તણૂકવાળી પ્રવૃત્તિને ક્યારેય સમર્થન આપશે નહીં અને આ મામલે યોગ્ય તપાસ કરીને કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટતા ગઈ કાલે સાંજે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ પત્રકારો સામે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK