એક ગ્રુપ સાથે મળીને ટ્રૅફિક-પોલીસે શરૂ કર્યો છે અનોખો પ્રયાસ: આખા શહેરમાં ૭૦ બાઇક્સ તૈયાર રાખી છે જે ફસાયેલા વિદ્યાર્થીઓને એક્ઝામ-સેન્ટર સુધી મૂકી આવશે
થાણે પોલીસ
થાણે શહેર અને ઘોડબંદર રોડ પર થતા ટ્રૅફિક જૅમમાં બારમા ધોરણની અને આવતા અઠવાડિયાથી શરૂ થઈ રહેલી દસમા ધોરણની પરીક્ષાના વિદ્યાર્થીઓ અટવાઈ ન જાય એ માટે જસ્ટિસ ફૉર ઘોડબંદર ગ્રુપે ટ્રૅફિક-પોલીસ સાથે મળીને એક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. થાણે શહેર અને ઘોડબંદર રોડ પર ટ્રૅફિક-વિભાગના ૭૦ બાઇક-રાઇડર્સ પરીક્ષાના સમયે તહેનાત રહે છે અને જો કોઈ વિદ્યાર્થીને ટ્રૅફિકને લીધે એક્ઝામ આપવા જવામાં મોડું થાય એમ હોય તો તેઓ પરીક્ષા-સેન્ટર સુધી મૂકી આવશે. આને માટે એક વૉટ્સઍપ-ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જોકે ગઈ કાલ સુધી કોઈને આ પહેલનો લાભ લેવાની જરૂર નહોતી પડી.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રૅફિક) પંકજ શિરસાટે કહ્યું હતું કે જે વિદ્યાર્થી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તેણે જ આ વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં લેટ ન પહોંચે કે કોઈ પણ પરીક્ષા મિસ ન કરે એવો અમારો હેતુ છે એમ જણાવતાં જસ્ટિસ ફૉર ઘોડબંદર ગ્રુપનાં પ્રમુખ શ્રદ્ધા રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તો અમારી રીતે પ્રયત્ન કરી જ રહ્યા છીએ, પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ થતી હોય તો તેમણે અમારી સાથે જોડાવું જોઈએ. ટ્રૅફિક-પોલીસ સાથે મળીને અમે તમારા બાળકને એક્ઝામ-સેન્ટર સુધી પહોંચાડીશું.’

