BMCની ચૂંટણી માટે મતદારયાદી બહાર પાડીને ૨૭ નવેમ્બર સુધી વાંધાવચકા અને સૂચનો મગાવવામાં આવ્યાં, પાંચમી ડિસેમ્બરે ફાઇનલ લિસ્ટ જાહેર થશે
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટેની મતદારયાદીનો ડ્રાફ્ટ ગઈ કાલે બહાર પાડવામાં આવ્યો હતો. મતદારયાદીના આ ડ્રાફ્ટ બદલ જો કોઈને વાંધાવચકા કે સૂચન હોય તો એ ૨૭ નવેમ્બર સુધીમાં નોંધાવવાના રહેશે. એ પછી પાંચમી ડિસેમ્બરે ફાઇનલ મતદારયાદી બહાર પાડવામાં આવશે. આ વખતની મતદારયાદીમાં બે વાર આવતાં નામ અને રદ કરાયેલાં નામ સામે ફૂદડી મૂકવામાં આવી છે. મતચોરીના થઈ રહેલા આરોપો જોતાં આ વખતે બહુ મોટા પ્રમાણમાં વાંધાવચકા કે સૂચનો આવવાની શક્યતા છે. મુંબઈમાં કુલ ૧.૦૩ કરોડ મતદાર છે. ૨૦૧૭માં એ સંખ્યા ૯૧ લાખની આસપાસ હતી.
સ્ટેટ ઇલેક્શન કમિશને સાર્વત્રિક ચૂંટણી સંદર્ભે મતદારયાદી તૈયાર કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એ અંતર્ગત ગઈ કાલે BMCની મતદારયાદી જાહેર કરવામાં આવી હતી. પહેલાં આ યાદી ૬ નવેમ્બરે જાહેર થવાની હતી. એ પછી એને ૧૪ નવેમ્બરની ડેડલાઇન અપાઈ હતી. જોકે એ પછી ફરી એક વખત એ ડેડલાઇન લંબાવીને ૨૦ નવેમ્બરે ગઈ કાલે એ યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ માટે પહેલી જુલાઈ સુધીની મતદારયાદી પાત્ર રાખવાનો નિર્ણય સ્ટેટ ઇલેક્શન કમિશને લીધો છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે અલગથી મતદારયાદી તૈયાર કરવામાં આવતી નથી. ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી મતદારયાદી જ વાપરવામાં આવે છે. જોકે પહેલી જુલાઈ સુધીની મતદારયાદી વિધાનસભા મતદારસંઘ અનુસાર છે. એથી એના મતદારસંઘને વૉર્ડ-લેવલમાં ફેરવીને આ યાદી તૈયાર કરવામાં આવી છે.
મતદારયાદીમાંની ભૂલો શોધી કાઢવા વિરોધ પક્ષોની કાર્યકરોને હાકલ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS), શિવસેના (UBT) અને કૉન્ગ્રેસે એના કાર્યકરોને મતદારયાદી તપાસી એમાંની ભૂલો, બે વાર આવતાં નામ શોધવા જણાવ્યું છે. MNSના યશવંત કિલ્લેદારે કહ્યું હતું કે ‘અમે ૨૦૨૪ની યાદી પહેલેથી જ તપાસી હતી. એ યાદી અત્યારની યાદી સાથે સરખાવવામાં આવશે. જો બન્ને યાદીમાં કોઈ ફેરફાર નજરે પડશે તો ઘરે-ઘરે જઈને પણ એની ચકાસણી કરીને વાંધાવચકા અને સૂચનો નોંધાવવા જણાવ્યું છે.’


