કોરોના મહામારી બાદ બે વર્ષે આજથી શરૂ થઈ રહેલી નવરાત્રિમાં સજીધજીને નીકળતી મહિલાઓ પર આ ચેઇન આંચકનારાઓ ત્રાટકે એવો પોલીસને સતાવી રહ્યો છે ડર

અન્જાન ખાન, અયાઝ દેવનાથ
કોરોના મહામારી પૂરી થઈ છે ત્યારે દહીહંડી, ગણેશોત્સવ જેવા મોટા તહેવાર અને માઉન્ટ મેરીના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરોની બહાર નીકળે એના પર ચેઇન આંચકનારાઓની નજર રહે છે એટલે તેઓ પણ કોરોના બાદ સક્રિય થઈ રહ્યા છે. ગણેશોત્સવમાં પાકીટ અને મોબાઇલ આંચકવાની કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે ચેઇન, પાકીટ કે મોબાઇલ આંચકનારાઓ ફરી કામે લાગ્યા છે. આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે મુંબઈમાં સજીધજીને રાસ રમવા જતી મહિલાઓને નિશાન બનાવી શકે એવા મોસ્ટ વૉન્ટેડ ૨૬ ચેઇન આંચકનારાઓના ફોટા પોલીસે જાહેર કર્યા છે.
બે વર્ષ કોરોના મહામારીને લીધે નવ દિવસ ચાલતી નવરાત્રિમાં સહભાગી થવા માટે મુંબઈગરાઓ થનગની રહ્યા છે ત્યારે મહિલાઓએ સાવધ થઈ જવાની જરૂર છે. મહામારી બાદ આ વર્ષે દહીહંડી અને ગણેશોત્સવ જેવા સૌથી મોટા તહેવારમાં ચેઇન, પાકીટ કે મોબાઇલ આંચકવાની ઘટનામાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે. ૨૬ રીઢા ગુનેગારોની નજર રાસગરબા રમવા જતી મહિલાઓ પર ખાસ રહેશે, કારણ કે સજીધજીને રાસગરબા રમવા મહિલાઓ રાત્રે નીકળે છે. રાતના અંધારામાં દાગીના પહેરેલી સ્ત્રીઓને ટાર્ગેટ બનાવવાનું આવા ગુનેગારો માટે સરળ બની જાય છે.
ADVERTISEMENT
ગયા મહિને ચેઇન આંચકવાના આખા મુંબઈમાં ૧૨ કેસ નોંધાયા હતા, જેમાંથી પોલીસ માત્ર પાંચ કેસ ઉકેલી શકી હતી. આ વર્ષના પહેલા આઠ મહિનાની વાત કરીએ તો ચેઇન આંચકવાની ૧૪૩ ઘટના બની હતી, જેમાંથી ૧૦૭ મામલા ઉકેલાયા હતા. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ડબલ જેટલા કેસ પોલીસને ચોપડે નોંધાયા છે.
મુંબઈના રસ્તામાં ગરબે ઘૂમવા જતી મહિલાઓને નિશાન બનાવવા માટે ચેઇન આંચકનારા ટાંપીને બેઠા છે એવી જ રીતે અનેક રાસરસિયાઓ એકથી બીજા સ્થળે જવા માટે રેલવેમાં પ્રવાસ કરે છે. ચેઇન આંચકવાની ઘટના રેલવેમાં પણ મોટા પ્રમાણમાં થતી હોવાથી અહીં પણ મહિલાઓએ સાવધ રહેવું પડશે.
ચેઇન આંચકવાને જ ધંધો બનાવી દેનારા ૨૪ આરોપીની માહિતી ‘મિડ-ડે’એ મેળવી છે, જેઓ લોકલ ટ્રેનની સાથે રસ્તામાં પણ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે. આ રીઢા ગુનેગારો સામે ચેઇન આંચકવાના અનેક મામલા પોલીસમાં નોંધાયેલા છે. ૨૪ ચેઇન આંચકનારામાંથી કેટલાક જેલમાં છે, કેટલાક જામીન પર છે અને કેટલાક વૉન્ટેડ છે. જામીન પર અને વૉન્ટેડ ચેઇન આંચકનારાઓ નવરાત્રિમાં અને એ પછી આવતી દિવાળી જેવા મોટા તહેવારમાં ખરીદી કરવા નીકળતા લોકો અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી શકે છે.
ઝોન-૧૨ના ડેપ્યુટી પોલીસ-કમિશનર સોમનાથ ઘાર્ગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેઇન આંચકવાના અનેક મામલા જેમની સામે નોંધાયેલા છે તેમના પર નજર રાખવા માટે મુંબઈ અને રેલવે-પોલીસ દ્વારા વિશેષ પ્રયાસ કરાઈ રહ્યા છે, પરંતુ રીઢા ગુનેગારો ગિરદીનો લાભ ઉઠાવીને ચેઇન, પાકીટ અને મોબાઇલ આંચકીને પળવારમાં છૂ થઈ જાય છે. આથી તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. મોટા ભાગના ચેઇન આંચકનારા આંબિવલીથી મુંબઈમાં ટોલનાકાના રસ્તે દાખલ થાય છે. આથી તેમનાં વાહનો, એમાં પણ ખાસ કરીને ટૂ-વ્હીલરની શહેરના દરેક એન્ટ્રી પૉઇન્ટ પર તપાસ કરવામાં આવે છે.

