૨૦ ઘરની માલિકી અને ૩૦૦ અનુયાયીઓ ધરાવતી જ્યોતિ પાસે બનાવટી આધાર કાર્ડ અને બર્થ-સર્ટિફિકેટ પણ હતાં
ટ્રાન્સજેન્ડર ગુરુમા જ્યોતિ
૩૦૦ અનુયાયીઓ ધરાવતી ટ્રાન્સજેન્ડર ગુરુમા જ્યોતિની સાચી ઓળખનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ૩૦ વર્ષથી મુંબઈમાં ગેરકાયદે રહેતી બંગલાદેશી જ્યોતિનું નામ બાબુ અયાન ખાન છે અને આ ગુરુમા નકલી ઓળખ સાથે ૨૦ ઘરની માલિક પણ બની બેઠી હતી. શિવાજીનગર પોલીસે શુક્રવારે છેતરપિંડીના ગુના હેઠળ જ્યોતિની ધરપકડ કરી હતી.
બનાવટી આધાર કાર્ડ, બનાવટી પૅન કાર્ડ અને નકલી બર્થ-સર્ટિફિકેટ રજૂ કરીને પોતાને ભારતીય નાગરિક દર્શાવતી જ્યોતિ ગુરુમા શિવાજીના રફીકનગરમાં રહેતી હતી, જ્યાં તેની માલિકીનાં ૨૦ મકાન પણ છે. ૩૦૦ જેટલા અનુયાયીઓ જ્યોતિના આશીર્વાદ લેવા માટે નિયમિત અહીં આવે છે.
ADVERTISEMENT
જ્યોતિ વિરુદ્ધ શિવાજીનગર, નારપોલી, દેવનાર, ટ્રૉમ્બે અને કુર્લા પોલીસ-સ્ટેશનમાં મારપીટ સહિતના પાંચ કેસ નોંધાયા હતા જેની તપાસમાં અંતે પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ પછી જ્યોતિને છોડાવવા માટે અનુયાયીઓએ આખું શિવાજીનગર પોલીસ-સ્ટેશન માથે લીધું હતું. પોલીસે ફૉરેન નૅશનલ્સ ઍન્ડ ઇમિગ્રેશન લૉ અને ચીટિંગ સહિતના ગુના હેઠળ જ્યોતિની ધરપકડ કરી હતી.
ઍન્ટિ-ટ્રાફિકિંગ સેલ (ATC)એ અગાઉ ૨૪ માર્ચે રફીકનગરમાંથી ૮ ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી હતી. એ સમયે જ્યોતિની પણ અટકાયત કરવામાં આવી હતી, પણ તેણે બનાવટી ડૉક્યુમેન્ટ્સ બતાવીને પોતાને ભારતીય નાગરિક સાબિત કરી હતી. ત્યાર બાદ પોલીસે ડૉક્યુમેન્ટની ખરાઈ કરતાં બધા ડૉક્યુમેન્ટ્સ નકલી હોવાની જાણ થઈ હતી. તેથી પોલીસ શુક્રવારે જ્યોતિની ફરી ધરપકડ કરી હતી.
- અનિશ પાટીલ

