ખીચડી કૌભાંડ બાદ હવે મીઠી નદીને પહોળી કરવાના કામની તપાસ EOWની સ્પેશ્યલ ટીમને સોંપવામાં આવી
મીઠી નદી
૨૦૦૬ની ૨૬ જુલાઈએ અનરાધાર વરસાદ થવાથી મુંબઈ જળબંબાકાર થયું હતું. તપાસમાં જણાઈ આવ્યું હતું કે મીઠી નદીમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ કરવાની સાથે નદીની સફાઈ ન થવાને લીધે પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. આથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની આગેવાનીના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મીઠી નદીને પહોળી કરવાની સાથે ગાળ કાઢવા માટે ત્રણ કંપનીને કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. શિવસેનાએ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપવામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યા બાદ આ બાબતની તપાસ પોલીસે કરી હતી. જોકે તપાસ યોગ્ય રીતે ન કરવામાં આવી હોવાનો આરોપ થયા બાદ આ મામલાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ફરીથી તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્દેશથી મુંબઈના પોલીસ કમિશનર અને ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના જૉઇન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં મીઠી નદીના કૉન્ટ્રૅક્ટની તપાસ કરવા માટે EOWની સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેના નેતા કોરોના મહામારી વખતે લોકોને ખીચડી વિતરણ કરવાના મામલામાં ભ્રષ્ટાચાર કરવાનો સામનો કરી રહ્યા છે ત્યારે મીઠી નદીને પહોળી કરવાની સાથે સાફ કરવા માટેના કૉન્ટ્રૅક્ટરોની નિયુક્તિ કરવાની તપાસ કરવા માટે SITની ટીમ બનાવવામાં આવી હોવાથી ઉદ્ધવ ઠાકરે અને તેમના સહયોગીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મીઠી નદીને પહોળી અને સાફ કરવા માટે કૈલાસ કન્સ્ટ્રક્શન, એક્યુબ ડિઝાઇન અને મનદીપ એન્ટરપ્રાઇઝિસને ૩૦-૩૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો.

