Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે લીટર કિંગ કોબ્રાનું ઝેર અને વાઘ, દીપડાની ખાલ વેચવા નીકળેલા ઝડપાયા

બે લીટર કિંગ કોબ્રાનું ઝેર અને વાઘ, દીપડાની ખાલ વેચવા નીકળેલા ઝડપાયા

Published : 29 November, 2026 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપ્ત કરાયેલું ઝેર અને પકડાયેલી ત્રણેય વ્યક્તિઓને મહારાષ્ટ્ર વનવિભાગને સોંપવામાં આવી છે જેથી આગળની તપાસ થઈ શકે અને લાગુ કાયદાઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાય.

DRIએ જપ્ત કરેલું કિંગ કોબ્રાનું બે લીટર ઝેર, દીપડા અને વાઘની ખાલ તથા રાઇફલ

DRIએ જપ્ત કરેલું કિંગ કોબ્રાનું બે લીટર ઝેર, દીપડા અને વાઘની ખાલ તથા રાઇફલ


ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં વન્યજીવ તસ્કરીના બે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પુણે અને નવી મુંબઈમાં હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઑપરેશન્સમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે લીટર શંકાસ્પદ કિંગ કોબ્રાનું ઝેર તથા વાઘ, દીપડા અને ચિત્તાની ચામડીઓ જપ્ત કરવામાં આવી છે.

પ્રથમ ઑપરેશનમાં DRI અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે શૅરબજારના વેપારીમાંથી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનેલી એક વ્યક્તિ સાપના ઝેરના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલી છે. પચીસ નવેમ્બરે પુણેના આઉટસ્કર્ટ્‍સમાં યોજાયેલા કાર્તિક પૂર્ણિમાના ધાર્મિક મેળાવડા દરમ્યાન અધિકારીઓએ સતત દેખરેખ રાખી હતી. અહીં શંકાસ્પદ વ્યક્તિ એક વચેટિયા અને સંભવિત ખરીદનારને મળવાની હતી. ઇન્દ્રાયણી નદીની નજીક ગીચ ભીડ અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે અધિકારીઓએ લાંબા સમય સુધી પીછો કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિઓને આંતરી લીધી અને ત્રણેયને પકડી પાડ્યા હતા. તપાસ દરમ્યાન બે બૉટલો મળી આવી જેમાં અંદાજે બે લીટર શંકાસ્પદ કિંગ કોબ્રાનું ઝેર હતું. જપ્ત કરાયેલું ઝેર અને પકડાયેલી ત્રણેય વ્યક્તિઓને મહારાષ્ટ્ર વનવિભાગને સોંપવામાં આવી છે જેથી આગળની તપાસ થઈ શકે અને લાગુ કાયદાઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાય.



૨૬ નવેમ્બરે હાથ ધરવામાં આવેલા અન્ય એક ઑપરેશનમાં DRI અધિકારીઓને નવી મુંબઈમાં સોશ્યલ મીડિયા દ્વારા વન્યજીવના અવશેષો વેચવાના પ્રયાસો વિશે ચોક્કસ બાતમી મળી હતી. તેમણે પનવેલ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવ્યો અને તેની પાસેથી એક થેલી જપ્ત કરી જેમાં બે ચામડીઓ મળી આવી હતી જે વાઘ અને દીપડાની હોવાનું જણાય છે. ત્યાર બાદની પૂછપરછના આધારે અધિકારીઓએ નવી મુંબઈમાં એક રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની તપાસ કરી હતી ત્યાંથી બે મહિલાઓ પાસેથી શંકાસ્પદ દીપડાની ચામડી અને શિકાર માટે વપરાતી હોવાની શંકા ધરાવતી ૧૭૭ કૅલિબરની બ્રેક-બેરલ ઍર રાઇફલ મળી આવી.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દીપડાની ચામડી પર બંદૂકની ગોળી વાગ્યાના નિશાન હોવાની શંકા છે. વાઘ, દીપડાની એક-એક ચામડી, ઍર રાઇફલ અને અન્ય વન્યજીવ અવશેષો જપ્ત કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK