EVMમાં આપેલો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં એ જાણવાના નાગરિકના અધિકાર બાબતે થયેલી અરજી પર આજે સુનાવણી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીપંચે બુધવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ માટે વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) મશીનોનો ઉપયોગ ફરજિયાત નથી અને એ ટેક્નિકલ રીતે પણ શક્ય નથી.
કૉન્ગ્રેન્સના નેતા પ્રફુલ્લ ગુડધે દ્વારા મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં VVPATનો ઉપયોગ ન કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. એના જવાબમાં ચૂંટણીપંચે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ ઍફિડેવિટ રજૂ કર્યું હતું.
ADVERTISEMENT
VVPAT મશીનના ઉપયોગથી ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં આપેલો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં એ જાણી શકાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં VVPATનો ઉપયોગ ફરજિયાત કર્યો હોવાથી અદાલતે મહારાષ્ટ્ર ચૂંટણીપંચને VVPAT મશીનોનો ઉપયોગ ન કરવાનું કારણ જણાવવા કહ્યું હતું.
ચૂંટણીપંચના વકીલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફક્ત સામાન્ય ચૂંટણીઓ પર લાગુ પડે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર નહીં. ૨૦૧૭ની મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમ્યાન પણ VVPAT મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. એની ડિઝાઇન અને ટેક્નિકલ પરિબળોને કારણે વધારે ઉમેદવારો અને વધારે EVMનો વપરાશ હોય ત્યારે જ VVPAT મશીન ઉપયોગમાં લેવાય છે. આ અરજી પર વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.


