આગામી દિવસોમાં ઠંડી વધતાં શાકભાજીની આવક વધવાની શક્યતા છે. તેથી શાકભાજીના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. ડિમાન્ડ ઓછી હોવા છતાં મોટા પ્રમાણમાં શાકભાજીનું આગમન ચાલુ છે. વેપારીઓ કહે છે કે છઠપૂજાને કારણે બજારમાં ઉત્તર ભારતીય છૂટક વેપારીઓની સંખ્યા ઘટી ગઈ છે તેમ જ તહેવારોને લીધે પણ શાકભાજીના વેચાણને અસર થઈ છે.
નવી મુંબઈ સહિત મુંબઈ, થાણે, પનવેલ અને નજીકનાં ઉપનગરોમાં પણ વાશીની APMC માર્કેટમાંથી શાકભાજીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. APMCના વેપારીઓના કહેવા મુજબ દરરોજ લગભગ પચીસથી ૩૦ ટકા શાકભાજી વેચાયા વગર રહે છે, જેને કારણે વેપારીઓ અને ખેડૂતો બન્ને ચિંતામાં મુકાયા છે. બજારમાં મોટા પ્રમાણમાં તાજી શાકભાજી પડી રહે છે.
ADVERTISEMENT
પુરવઠો વધવાથી અને ડિમાન્ડમાં ઘટાડો થવાથી શાકભાજીના ભાવ ગગડ્યા છે. હોલસેલ માર્કેટમાં ભીંડાના ભાવ ૫૬-૬૦ રૂપિયાથી ઘટીને ૩૬-૪૦ રૂપિયે પ્રતિ કિલો થયા છે, જ્યારે ગુવારના ભાવ ૭૦-૯૦ રૂપિયાથી ઘટીને ૫૦-૭૦ રૂપિયે પ્રતિ કિલો થયા છે.
ટમેટાં હવે ૧૦-૧૪ રૂપિયા પ્રતિ કિલો, ફ્લાવર ૮-૧૨ રૂપિયા પ્રતિ કિલો, રીંગણ ૧૬-૨૨ રૂપિયા પ્રતિ કિલો અને પાલક ૧૦-૧૮ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ધાણા અને મેથીના ભાવ પણ ઘટીને અનુક્રમે ૮-૧૦ રૂપિયા અને ૧૬-૨૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે.
આગામી દિવસોમાં ઠંડી વધતાં શાકભાજીની આવક વધવાની શક્યતા છે. તેથી શાકભાજીના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.


