પોલીસને આત્મહત્યાની શંકા, કોઈએ ધક્કો માર્યો હોય એવું પરિવારજનોને લાગે છે
સંધ્યા પાઠક
વિલે પાર્લેની સાઠ્યે કૉલેજમાં ગુરુવારે સવારે એક વિદ્યાર્થિની કૉલેજ બિલ્ડિંગના ત્રીજે માળેથી નીચે પડી હતી. ઈજાને લીધે શરીરમાંથી ખૂબ લોહી વહી જતાં ૨૧ વર્ષની આ યુવતીએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક રીતે આ કેસ આત્મહત્યાનો હોવાનું પોલીસે કહ્યું હતું, પરંતુ યુવતીના પરિવારજનોએ આ બનાવમાં કોઈનો હાથ હોવાનો દાવો કર્યો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ નાલાસોપારાની રહેવાસી સંધ્યા પાઠક નામની વિદ્યાર્થિની સ્ટૅટિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં થર્ડ યરમાં ભણતી હતી. ગુરુવારે સવારે તે દરરોજ મુજબ કૉલેજ આવી હતી અને બિલ્ડિંગના ત્રીજા માળેથી અચાનક નીચે પડી હતી. સંધ્યાને ગંભીર ઈજા થઈ હતી, તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ શરીરમાંથી ખૂબ લોહી વહી જવાને લીધે તેનો જીવ ગયો હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. કૉલેજે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચીને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી. આ કેસમાં સુસાઇડ-નોટ હજી સુધી મળી નથી.
ADVERTISEMENT
સંધ્યાના પરિવારજનોને સંધ્યા આત્મહત્યા કરે એ વાત માન્યામાં નહોતી આવતી. અમારી દીકરી આવું પગલું ન ભરી શકે, આમાં જરૂરથી કોઈ ગેરસમજ હશે, તેને કોઈએ ધક્કો માર્યો હશે એમ સંધ્યાના પરિવારજનોએ જણાવ્યું હતું.
પોલીસે આકસ્મિક મૃત્યુ તરીકે કેસ નોંધીને CCTV ફુટેજની તપાસ સાથે કૉલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓની પૂછપરછ ચાલુ કરી છે.

