વિરારમાં ગેરકાયદે બિલ્ડિંગની એક આખી વિંગ તૂટી પડી, ૧૭ જણે જીવ ગુમાવ્યા : કાટમાળ નીચેથી બચાવવાનો ચિત્કાર તારણહાર બન્યો ત્રણ જણ માટે
વિરાર-ઈસ્ટમાં તૂટી પડેલી રમાબાઈ અપાર્ટમેન્ટની વિંગ
બુધવારે મધરાતે ૧૨ વાગ્યે વિરાર-ઈસ્ટમાં આવેલા રમાબાઈ અપાર્ટમેન્ટમાં રહેતી એક બાળકી ઉત્કર્ષા જોવિલની પહેલી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી હતી એ જ સમયે ૧૨ ફ્લૅટ ધરાવતી આખી વિંગ અચાનક જ ધસી પડતાં આ ઉજવણી કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી. આ હોનારતમાં બર્થ-ડે ગર્લ અને તેનાં મમ્મી-પપ્પા સહિત ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. ૯ ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે. ૩૬ કલાકથી વધુ ચાલેલા રેસ્ક્યુ ઑપરેશનમાં ૧૧ લોકોને કાટમાળ નીચેથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ની ફરિયાદને પગલે ગેરકાયદે ઊભા કરાયેલા આ બિલ્ડિંગના બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મમ્મી-પપ્પા આરોહી અને ઓમકાર સાથે ઉત્કર્ષા જોવિલ
આખું વાતાવરણ ચીસાચીસ અને ધૂળની ડમરીથી ભરાઈ ગયું હતું. બિલ્ડિંગ બાજુમાં આવેલી વિજયનગર ચાલ પર પડ્યું હતું. સદ્નસીબે આ ચાલ જોખમી હોવાને કારણે અગાઉથી જ ખાલી કરવી દેવામાં આવી હતી એટલે વધુ જાનહાનિ ટળી હતી.
આ ઘટનાની જાણ થતાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ અને ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પણ ખૂબ સાંકડી ગલીમાં બિલ્ડિંગ આવેલું હોવાથી મોટાં મશીનો બિલ્ડિંગ સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગ્યો હતો એમ ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર વિવેકાનંદ કદમે જણાવ્યું હતું. આ બનાવ બાદ બિલ્ડિંગની આજુબાજુની ચાલ ખાલી કરાવીને એમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હોનારતમાં ઘર ગુમાવનારા પરિવારોને ચંદનસાર સમાજ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે. ત્યાં તેમને ભોજન-પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભાઈ-બહેન દીપેશ સોની અને દીપાલી સોની
૨૦૦૮માં રમાબાઈ અપાર્ટમેન્ટનું કન્સ્ટ્રક્શન થયું હતું. આ સોસાયટીમાં કુલ ૫૪ ફ્લૅટ અને ૪ દુકાન છે. પડી ગઈ એ વિંગમાં ૧૨ ફ્લૅટ હતા. આ બિલ્ડિંગમાં કોઈ તિરાડો પણ નહોતી દેખાઈ કે બિલ્ડિંગનું બાંધકામ નબળું પડ્યું હોય એવા કોઈ સંકેત જણાયા નહોતા. એમ છતાં અચાનક જ આ બિલ્ડિંગ ધસી પડવા માટે સ્થાનિક લોકોએ બિલ્ડરે વાપરેલા માલની ગુણવત્તા અને ગેરરીતિને જવાબદાર ઠેરવ્યાં હતાં તેમ જ કોઈ પણ જાતની સુરક્ષાનાં પગલાં વગર જ રહેવાસીઓને બિલ્ડિંગમાં રહેવાની પરવાનગી કેવી રીતે મળી એ અંગે તપાસ થવી જોઈએ એવી માગણી કરી હતી. બિલ્ડર નિતલ ગોપીનાથ સાનેએ કોઈ પણ જાતની પરવાનગી વગર બિલ્ડિંગ બાંધી દીધું હતું.
કાટમાળમાંથી હેમખેમ બહાર આવેલો મંથન શિંદે
પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને કરુણ ગણાવી હતી. મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમના વારસદારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત પણ દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.
કાટમાળ નીચેથી મદદ માટે બૂમો પાડીને બહાર નીકળેલા યુવકે મમ્મી-પપ્પાને પણ બચાવ્યાં
૧૯ વર્ષનો યુવક મંથન શિંદે અને તેનાં મમ્મી-પપ્પા તથા ભાઈ-બહેન બિલ્ડિંગના ત્રીજે માળે રહેતાં હતાં. દુર્ઘટના બની ત્યારે તેનો ભાઈ બહાર ગયો હતો અને બાકી બધાં સૂતાં હતાં ત્યારે જ અચાનક ત્રીજે માળથી નીચે પટકાયાં હતાં અને કાટમાળમાં દટાયાં હતાં. આ યુવકે મદદ માટે બૂમો પાડીને બચાવ કરી રહેલી ટીમનું ધ્યાન દોર્યું હતું એટલે કાટમાળ હટાવીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે ટીમ સાથે મળીને તેનાં મમ્મી-પપ્પાને શોધવામાં મદદ કરી હતી. યુવકની સતર્કતાને કારણે તેનાં મમ્મી-પપ્પા પણ સલામત રીતે બહાર આવી ગયાં હતાં. તેની બહેન બીજા રૂમમાં હતી જે દુર્ઘટનાગ્રસ્ત નહોતો થયો એટલે બચી ગઈ હતી. યુવકને હાથ અને પગમાં ઈજા થઈ છે જેની સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેમ જ તેનાં મમ્મી-પપ્પા પણ સારવાર હેઠળ છે.
વડોદરાથી ભાઈના ઘરે બળેવ કરવા આવેલી બહેન અને ભાઈ બન્નેએ જીવ ગુમાવ્યા
રમાબાઈ અપાર્ટમેન્ટમાં એકલા રહેતા ૪૧ વર્ષના દીપેશ સોનીને રાખડી બાંધવા વડોદરાથી ૫૦ વર્ષની તેની બહેન દીપાલી આવી હતી. દોઢ દિવસના ગણપતિ જોઈને તે પાછી જવાની હતી, પરંતુ ભાઈ-બહેન બન્નેને કાળ ભરખી ગયો હતો. બિલ્ડિંગ પડી જતાં બન્ને કાટમાળ નીચે દટાયાં હતાં. રેસ્ક્યુ-ઑપરેશન દરમ્યાન તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં પણ એ પહેલાં જ તેમણે જીવ ગુમાવ્યો હતો.
બર્થ-ડે પાર્ટી ઊજવ્યાના દોઢ કલાક બાદ શોક છવાઈ ગયો
ઓમકાર અને આરોહી જોવિલે તેમની એક વર્ષની દીકરી ઉત્કર્ષાની પહેલી બર્થ-ડે માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. ચોથા માળે રહેતા પરિવારે મંગળવારે આ નાનકડી પાર્ટીમાં નજીકના મિત્રો અને સગાંઓ મળીને ૨૦ મહેમાનોને બોલાવ્યા હતા. સાત વાગ્યાથી પાર્ટી શરૂ થઈ હતી અને ૧૦.૩૦ વાગ્યે બધા જ મહેમાનો તેમના ઘરે પાછા ફર્યા હતા. ઓમકારનાં મમ્મી-પપ્પા બાજુના જ બિલ્ડિંગમાં રહેતાં હોવાથી તેઓ પણ મોડેથી તેમના ઘરે ગયાં હતાં. ત્યાર બાદ આ ત્રણ જણ સૂઈ ગયાં હતાં અને રાતે ૧૨ વાગ્યે આ ગોઝારી દુર્ઘટનામાં પરિવારે જીવ ગુમાવ્યો હતો.
ઉત્તરાખંડથી આવેલા ત્રણ મિત્રો સાથે જ રહેતા હતા અને સાથે જ મોતને ભેટ્યા
મર્ચન્ટ નેવીમાં કામ કરતા ત્રણ મિત્રો આ ફ્લૅટમાં સાથે જ રહેતા હતા. ઉત્તરાખંડથી આવેલા દીપક સિંહ બોરા, હરીશ બિસ્ત અને ગોવિંદ સિંહ રાવત નામના આ મિત્રો બીજા માળે રહેતા હતા. તેમના પ્રોજેક્ટ માટે ગયેલા ત્રણ મિત્રો ગયા મહિને જ મુંબઈ પરત ફર્યા હતા. બિલ્ડિંગના કાટમાળમાં દબાઈને ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યો હતો.

