Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરના રાજકારણમાં ફરી ગરમાટો

મીરા-ભાઈંદરના રાજકારણમાં ફરી ગરમાટો

Published : 21 June, 2026 09:23 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

પાણીની તંગી વચ્ચે પૂલ-પાર્ટીના આયોજન મુદ્દે ગઈ કાલે પ્રતાપ સરનાઈકે ટાર્ગેટ કર્યા નરેન્દ્ર મહેતાને, નરેન્દ્ર મહેતાએ પલટવારમાં કહ્યું કે એ તો શુક્રવારે જ કૅન્સલ કરી દેવાઈ છે

પ્રતાપ સરનાઈક, નરેન્દ્ર મહેતા

પ્રતાપ સરનાઈક, નરેન્દ્ર મહેતા


રાજ્યમાં ચાલી રહેલી પાણીની કટોકટી વચ્ચે મીરા-ભાઈંદરમાં ગઈ કાલે રાજકીય ગરમાવો આવી ગયો હતો. ઓવળા-માજિવડા વિધાનસભા બેઠકના વિધાનસભ્ય અને શિવસેનાના નેતા તેમ જ રાજ્યપ્રધાન પ્રતાપ સરનાઈકે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ અને વિડિયો પોસ્ટ કરીને મીરા-ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રતાપ સરનાઈકે પોતાના દાવામાં જણાવ્યું હતું કે ‘સમગ્ર મહારાષ્ટ્ર જ્યારે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે અને અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેમ જ મીરા-ભાઈંદરના નાગરિકો પણ પીવાના પાણી માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ સેવન ઇલેવન ક્લબ ખાતે એક અશોભનીય પૂલ-પાર્ટીનું આયોજન કર્યું છે.’

પ્રતાપ સરનાઈકે આ આયોજનની સરખામણી ઇતિહાસની પ્રખ્યાત ઘટના સાથે કરતાં ટ્વીટમાં લખ્યું હતું કે આ બિલકુલ એના જેવી સ્થિતિ છે કે રોમ સળગી રહ્યું હતું ત્યારે નીરો ફિડલ (વાંસળી) વગાડી રહ્યો હતો. તેમણે નરેન્દ્ર મહેતાની આવી પ્રવૃત્તિ સામે સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે આ પ્રકારની વેપારી માનસિકતા વિશે શું કહી શકાય? આ વિવાદિત ટ્વીટ અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ મીરા-ભાઈંદરના સ્થાનિક રાજકારણમાં ભારે ઊથલપાથલ મચી ગઈ હતી અને બન્ને પક્ષો વચ્ચે વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું.



બીજી તરફ આ ગંભીર આરોપો વિશે મીરા-ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ સમક્ષ પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે આક્ષેપોને નકારતાં જણાવ્યું હતું કે ‘આ હોટેલમાં કોઈ પણ સામાન્ય નાગરિક પોતાની સુવિધા અનુસાર બુકિંગ કરાવી શકે છે. આ પૂલ-પાર્ટી પણ થર્ડ-પાર્ટી બુકિંગ હતું જે લગભગ ૩ મહિના પહેલાં કરવામાં આવ્યું હતું. જૂન મહિનાના અંતમાં સામાન્ય રીતે ભારે વરસાદ પડતો હોવાથી પાણીની કોઈ અછત રહેતી નથી એ બાબતને ધ્યાનમાં રાખીને જ આ બુકિંગ સ્વીકારવામાં આવ્યું હતું. જોકે વર્તમાન સમયની ગંભીર પરિસ્થિતિ અને પાણીની તંગી જોતાં આ પૂલ-પાર્ટીનું બુકિંગ શુક્રવારે જ તાત્કાલિક ધોરણે કૅન્સલ કરી દેવામાં આવ્યું છે.’


વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચેનો વિવાદ અત્યંત જૂનો 
 

વિવાદની શરૂઆત (૨૦૧૭): આ વિવાદની સત્તાવાર શરૂઆત ૨૦૧૭ની મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ની ચૂંટણીઓ વખતે થઈ હતી. MBMCની સત્તા અને સ્થાનિક વિકાસકામોની ક્રેડિટ લેવા માટે બન્ને નેતાઓ અંદરોઅંદર ટકરાતા આવ્યા છે.
 મહાયુતિ છતાં ખટરાગ : ૨૦૨૨માં રાજ્યમાં શિવસેના (શિંદે જૂથ) અને BJPની ગઠબંધન સરકાર (મહાયુતિ) બની અને પ્રતાપ સરનાઈક સરકારમાં પ્રધાન બન્યા. એમ છતાં સ્થાનિક સ્તરે બન્ને નેતાઓ વચ્ચેની જૂની અદાવત શાંત થઈ નહોતી.
 જમીનવિવાદ અને ભૂમાફિયાના આક્ષેપો (એપ્રિલ ૨૦૨૬) : ઘોડબંદરના ભાઈંદરપાડામાં એક જમીનના મુદ્દે પ્રતાપ સરનાઈકના વિહંગ ગ્રુપ અને સ્થાનિક લોકો વચ્ચે વિવાદ થયો હતો. એમાં નરેન્દ્ર મહેતાએ એન્ટ્રી કરીને પ્રતાપ સરનાઈકને ખુલ્લેઆમ સૌથી મોટા ભૂમાફિયા ગણાવ્યા હતા.
 વ્યક્તિગત ટિપ્પણી અને ડ્રાઇવરવાળો વિવાદ : પ્રતાપ સરનાઈકે દાવો કર્યો હતો કે મીરા-ભાઈંદરની ૩૦ ટકા જમીન નરેન્દ્ર મહેતાની છે. એના પલટવારમાં નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે જો મારી પાસે એટલી જમીન હોત તો પ્રતાપ સરનાઈક આજે મારા ડ્રાઇવર હોત. આ નિવેદનથી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
 કાયદાકીય નોટિસો : આ કાદવઉછાળ બાદ બન્ને નેતાઓએ એકબીજા વિરુદ્ધ બદનામી (માનહાનિ)ની લીગલ નોટિસો ફટકારેલી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 09:23 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK