સાધનોની ચકાસણી માટેની મુદત એક વર્ષને બદલે બે વર્ષની કરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
સરકારે ૧૮ ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને વજન અને માપતોલ સાધનોની ચકાસણી અને સ્ટૅમ્પિંગની માન્યતા અવધિ બાર મહિના પરથી વધારીને ચોવીસ મહિના કરી છે. સરકારના આ નિર્ણયને દેશના નાના અને મધ્યમ વેપારીઓએ ટેકો આપ્યો હતો. વેપારીઓ કહે છે કે સરકારના આ નવા નિર્ણયથી અમારા પરનો વહીવટી બોજો ઘટશે અને અમારાં રેગ્યુલર કામો સરળ બનશે.
આ બાબતની માહિતી આપતાં ધ મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રમણીકલાલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સરકાર પાસે અસોસિએશન તરફથી વારંવાર આ માગણી કરી હતી. સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વેપારીઓ પરનો અનાવશ્યક વહીવટી બોજ ઘટશે અને રોજિંદી વ્યવસાયિક કામગીરી વધુ સરળ બનશે. નવા નિયમ મુજબ વજન કાંટા, માપ-પાત્ર, માપ-ટેપ, બીમ સ્કેલ, કાઉન્ટર મશીનો તેમ જ પેટ્રોલ અને ડીઝલ ફ્યુઅલ ડિસ્પેન્સિંગ મશીનો સહિત તમામ માપતોલ સાધનોનું વેરિફિકેશન હવે દર ૨૪ મહિને કરાવવાનું રહેશે. અમારી તમામ વેપારીઓ, રીટેલર્સ અને રૅશનિંગ દુકાનદારોને વિનંતી છે કે તેઓ પોતાનાં માપતોલ સાધનોની છેલ્લી વેરિફિકેશન તારીખ ચકાસી લે અને ૨૪ મહિના પૂર્ણ થાય એ પહેલાં સમયસર રિન્યુઅલ કરાવે જેથી તેમને કોઈ કાયદેસર કાર્યવાહી અને દંડનો સામનો ન કરવો પડે. આ કાયદો દેશભરના વેપારીઓને લાગુ પડે છે.’


