પહલગામ અટૅકમાં પતિ ગુમાવનારાં પુણેનાં પ્રગતિ જગદાળેની રાજકારણીઓને વિનંતી
પ્રગતિ જગદાળે
પહલગામમાં આતંકવાદીઓએ હિન્દુ ટૂરિસ્ટોને નામ અને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી હોવાનું આ હુમલામાં જીવ ગુમાવનારાઓેના પરિવારજનોએ કહ્યું હોવા છતાં કૉન્ગ્રેસ સહિતની કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ આ વિશે સવાલ કરી રહ્યા છે ત્યારે હુમલામાં પતિને ગુમાવનારા પુણેનાં પ્રગતિ જગદાળેએ જબરદસ્ત જવાબ આપ્યો છે.
એક મરાઠી ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં પ્રગતિ જગદાળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આતંકવાદ શું હોય છે એ અમે સગી આંખે જોયું, અનુભવ કર્યો અને સહન પણ કર્યો. આતંકવાદીઓનો દ્વેષ શું હોય છે એનો પણ અનુભવ કર્યો. અમે તેમની સામે હાથ જોડ્યા તો પણ તેમણે ન છોડ્યા. આથી આ હુમલા વિશે સવાલ કરનારા રાજકારણીઓને મારી વિનંતી છે કે તેઓ અમારી ભાવના સાથે રમત ન કરે. નેતાઓએ માનવતા અને અમે જે સહન કર્યું છે એના વિશે તો વિચાર કરવો જોઈએ. પહલગામમાં અમે ભયંકર પરિસ્થિતિ અનુભવી છે. અમે જે કહીએ છીએ એ જ બાળકો પણ કહી રહ્યાં છે. એક વ્યક્તિ ખોટું બોલી શકે, પણ બધા ખોટું નહીં બોલેને? આમ છતાં રાજકારણીઓ અમને દુઃખ થાય એવાં નિવેદન કેમ આપે છે? તમે અમારી ભાવના સાથે રમો છો. તમે અમારા રાજ્યના નેતા છો, અમે તમને અમારા માનીએ છીએ એથી મહેરબાની કરીને આતંકવાદી હુમલા વિશે રાજકારણ ન કરો.’

