લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં એના તથા લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો એના પણ ફોટો અને વિડિયો લીધા હતા : આ બધું પાકિસ્તાન મોકલ્યું હતું કે નહીં એની તપાસ ચાલી રહી છે
મુંબઈમાં ગણપતિદર્શન કરતી અને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી જ્યોતિ મલ્હોત્રા.
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી અને તેણે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશના કહેવાથી પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાનું પણ જ્યારે કબૂલ કર્યું છે ત્યારે તે ૪ વખત મુંબઈ પણ આવી ગઈ હોવાનું હવે બહાર આવ્યું છે. એટલું જ નહીં, તેણે લાલબાગચા રાજાનાં દર્શન પણ કર્યાં હતાં અને કિંગ્સ સર્કલના GSB ગણપતિનાં દર્શન કરીને ત્યાંની ગિરદીનો વિડિયો પણ બનાવ્યો હતો. એની સાથે તેણે મુંબઈની લોકલમાં પ્રવાસ કર્યો હતો એના અને મુંબઈની બીજી અનેક જગ્યાના ફોટો અને વિડિયો પણ લીધા હતા. જોકે પાછળથી એ ફોટો અને વિડિયો તેણે ડિલીટ કર્યા હતા. તેણે એ ફોટો અને વિડિયો પાકિસ્તાન મોકલ્યા હતા કે નહીં એની તપાસ ચાલી રહી છે. હવે એ ડિલીટ કરેલા ફોટો અને વિડિયો પાછા મેળવવામાં આવ્યા છે. એ સિવાય જ્યોતિ રાજસ્થાનમાં સરહદ નજીકના એવા વિસ્તારોની મુલાકાત લઈ ચૂકી છે જ્યાં સામાન્ય માણસોના જવા પર પ્રતિબંધ હોય છે.
જ્યોતિ મલ્હોત્રા ૨૦૨૩ અને ૨૦૨૪માં મુંબઈ આવી હતી. તે બોરીવલીમાં ઊતરતી હતી અને ત્યાંથી ટ્રેનમાં દાદર અને દાદરથી ચિંચપોકલી લાલબાગચા રાજાનાં દર્શન કરવા લોકલમાં જતી હતી. એ વખતે તેણે એ સમયનો ડીટેલ ટ્રાવેલ-વ્લૉગ પણ બનાવ્યો હતો. બે લાખ કરતાં વધુ લોકોએ તેનો એ વ્લૉગ જોયો હતો. આ બધી માહિતી તેણે પાકિસ્તાનને આપી હતી કે નહીં એની તપાસ હવે ચાલી રહી છે.
ADVERTISEMENT
જ્યોતિએ તપાસ દરમ્યાન શું જણાવ્યું ?
જ્યોતિએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘તે ‘ટ્રાવેલ વિથ જો’ નામની યુટ્યુબ ચૅનલ ચલાવે છે. તેની પાસે પાસપોર્ટ છે અને તે પાકિસ્તાન પણ જઈ આવી છે. તેણે દિલ્હીમાં પાકિસ્તાની કૉન્સ્યુલેટમાં વીઝાની અરજી કરી હતી. એ પછી તે પાકિસ્તાન ગઈ હતી. દિલ્હીમાં તેની ઓળખાણ પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારી દાનિશ સાથે થઈ હતી. દાનિશે તેને પાકિસ્તાન જવાનું કહેતાં તે બે વખત પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાનમાં તે અલી હસનને મળી હતી જેણે તેના રહેવાની અને ફરવાની ગોઠવણ કરી હતી. અલી હસને જ તેની મુલાકાત ત્યાંના સુરક્ષા અને ગુપ્તચર વિભાગના શાકિર અને રાણા શાહબાઝ સાથે કરાવી આપી હતી. શાકિરનો નંબર તેણે જટ રંધાવાના નામે સેવ કર્યો હતો. પાકિસ્તાનથી પાછા આવ્યા પછી પણ તે વૉટ્સઍપ, સ્નૅપચૅટ અને ટેલિગ્રામથી પાકિસ્તાની અધિકારીઓ સાથે સંપર્કમાં રહેતી હતી. આ ઉપરાંત દિલ્હીમાં પણ અનેક વાર દાનિશને મળી હોવાનું અને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી હોવાનું તેણે કબૂલ કર્યું હતું.

