આસામમાં કૉન્ગ્રેસે માત્ર વિવાદો આપ્યા, જ્યારે અમારી સરકારે વિકાસ આપ્યો એવા દાવા સાથે નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધીને કહ્યું...
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આસામમાં ૧૮,૫૦૦ કરોડ રૂપિયાનાં વિકાસકામોનું ઉદ્ઘાટન કર્યા બાદ સભાને સંબોધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આસામની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે દારંગ અને ગોલાઘાટ જિલ્લામાં ૧૮,૫૦૦ કરોડ રૂપિયાથી વધુની માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું. મંગલદાઈ ખાતે તેમણે ૫૭૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે દારંગ મેડિકલ કૉલેજ, એક નર્સિંગ કૉલેજ અને એક GNM સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો.
વડા પ્રધાને બે મુખ્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ, ૧૨૦૦ કરોડ રૂપિયાના નારંગી-કુરુવા બ્રિજ અને ૪૫૩૦ કરોડ રૂપિયાના ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ કામરૂપ અને દારંગ જિલ્લાઓને મેઘાલયના રી ભોઈ જિલ્લા સાથે જોડશે. ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાને દારંગ અને ગોલાઘાટમાં બે જાહેર સભાઓને પણ સંબોધિત કરી હતી.
આ વિસ્તારની વિકાસની રફતાર વિશે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું છે. અહીં આસામમાં પણ કૉન્ગ્રેસે ઘણા દાયકાઓ સુધી સરકાર ચલાવી છે, પરંતુ જ્યાં સુધી કૉન્ગ્રેસની સરકાર સત્તામાં હતી ત્યાં સુધી અહીં વિકાસની ગતિ ધીમી હતી અને વારસો પણ સંકટમાં હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ડબલ એન્જિન સરકાર આસામની જૂની ઓળખને મજબૂત બનાવી રહી છે. કૉન્ગ્રેસે આસામ અને ઉત્તર-પૂર્વને અલગાવવાદ, હિંસા અને વિવાદો આપ્યાં હતાં, જ્યારે BJP આસામને વિકાસ અને વારસાથી સમૃદ્ધ રાજ્ય બનાવી રહી છે. અમારી સરકારે આસામી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો. અમારી સરકારે લચિત બોરફૂકનના વારસાનું સન્માન કર્યું છે.
ADVERTISEMENT
લોકો ગમે એટલું અપમાન કરે, હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધું ઝેર પી જાઉં છું, પરંતુ જ્યારે બેશરમીથી બીજા કોઈનું અપમાન થાય છે ત્યારે હું એ સહન કરી શકતો નથી.
વડા પ્રધાને ભૂપેન હઝારિકાના અપમાનને યાદ કરાવ્યું
ગઈ કાલે વડા પ્રધાન આસામના મહાન ગાયક ભૂપેનદા હઝારિકાના ૧૦૦મી જન્મજયંતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એનો સંદર્ભ આપીને નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જે દિવસે ભારત સરકારે આસામના ગૌરવ એવા ભૂપેનદા હઝારિકાજીને ભારત રત્ન આપ્યો એ દિવસે કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષે એક નિવેદન આપ્યું હતું. મેં એ સમયે એની નોંધ લીધી નહોતી, પણ આજે મને એ બતાવવામાં આવ્યું હતું. કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષે ત્યારે કહ્યું હતું કે મોદી નર્તકો અને ગાયકોને ભારત રત્ન આપી રહ્યા છે.’
હકીકતમાં ૨૦૧૯માં જ્યારે ભૂપેન હઝારિકાને ભારત રત્ન જાહેર થયો ત્યારે મલ્લિકાર્જુન ખડગે કૉન્ગ્રેસ પ્રમુખ નહોતા, પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે BJP તો નર્તકો અને ગાયકોને ભારત રત્ન આપે છે, ત્યારે તેમની ખૂબ ટીકા પણ થઈ હતી.
આસામમાં શું બોલ્યા નરેન્દ્ર મોદી?
મારા માટે જનતા જ મારો ભગવાન છે અને જો મારા ભગવાન પાસે ગયા પછી મારા આત્માનો અવાજ બહાર નહીં આવે તો તે ક્યાંથી બહાર આવશે? તે મારા સ્વામી છે, તે મારા પૂજનીય છે, તે મારા રિમોટ કન્ટ્રોલ છે, મારું બીજું કોઈ રિમોટ કન્ટ્રોલ નથી, ૧૪૦ કરોડ દેશવાસીઓ જ મારા રિમોટ કન્ટ્રોલ છે.
કૉન્ગ્રેસ માટે એની વોટબૅન્કનું હિત સૌથી મહત્ત્વનું છે. કૉન્ગ્રેસ ક્યારેય દેશના હિતની પરવા કરતી નથી. આજે કૉન્ગ્રેસ રાષ્ટ્રવિરોધીઓ અને ઘૂસણખોરોનો પણ મોટો રક્ષક બની ગઈ છે.
BJP સરકાર ઘૂસણખોરોને દેશના સંસાધનો પર કબજો કરવા દેશે નહીં. અમે કોઈને પણ ભારતના ખેડૂતો, ભારતના યુવાનો, આપણા આદિવાસીઓના અધિકારો છીનવા દઈશું નહીં. હવે દેશમાં એક ડેમોગ્રાફી મિશન શરૂ થઈ રહ્યું છે. જે લોકો ઘૂસણખોરોને બચાવવા માટે બહાર આવ્યા છે તેમણે ભોગવવું પડશે. મારા શબ્દો સાંભળીને રાખો, આ દેશ તેમને માફ નહીં કરે.

