ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની થતી સતત અવગણનાથી ભડકેલાે અશ્વિન હેડ કોચ ગૌતમ ગંભીરને ટૉન્ટ મારતાં કહે છે...
ગઈ કાલે પાકિસ્તાન સામેની મૅચમાં પણ ૨૬ વર્ષના અર્શદીપ સિંહને સ્થાન મળ્યું નહોતું
પાકિસ્તાન સામેની એશિયા કપ મૅચ પહેલાં ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે ‘ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જ જોઈએ. જો તમે શુભમન ગિલને ઓપનર તરીકે, સૂર્યકુમાર યાદવને ચોથા નંબરે અને જસપ્રીત બુમરાહને અગિયારમા નંબરે રાખી શકો છો તો ટીમના શ્રેષ્ઠ T20 બોલરને સ્થાન કેમ ન મળી શકે? આ નિર્ણયો હંમેશાં મને પરેશાન કરે છે.’ ભારત માટે ૯૯ T20 વિકેટ લેનાર અર્શદીપની ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝથી જ પ્લેઇંગ ઇલેવન માટે અવગણના થઈ રહી છે.
અશ્વિને વધુમાં કહ્યું કે ‘ટીમ સિલેક્શનના ઘણા નિર્ણયો એવા બૅટ્સમૅન દ્વારા લેવામાં આવે છે જેમણે તેમના જીવનમાં ક્યારેય બૉલ ફેંક્યો નથી. બોલરોએ તેમની કળાને સુધારવામાં વર્ષો વિતાવ્યાં છે છતાં જ્યારે તેઓ સતત ટીમમાંથી બહાર રહે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. અર્શદીપ તેની ટોચ પર છે અને IPL અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.’ અશ્વિન સિલેક્શન વિશેનો ટૉન્ટ હેડ કોચ ગૌતમ ગંભીર પર મારી રહ્યો હોય એવું અનુમાન છે.
ADVERTISEMENT
તેણે આગળ કહ્યું કે ‘ફક્ત એટલા માટે બહાર બેસવું કે તે બૅટ્સમૅન નથી એ યોગ્ય નથી. T20 ક્રિકેટમાં ચાર ઓવરનો મજબૂત સ્પેલ મૅચની હાર-જીત નક્કી કરી શકે છે. બોલરોએ તેમની કળા પર ગર્વ લેવો જોઈએ અને શાંતિથી સાઇડલાઇન થવાનો સ્વીકાર ન કરવો જોઈએ.’
તે ઇંગ્લૅન્ડ સામે છેલ્લે જાન્યુઆરીમાં T20માં અને ફેબ્રુઆરીમાં વન-ડે મૅચ રમ્યો હતો.

