બસમાંથી ઊતરતા દેખાતા આ લોકોની માહિતી મેળવવા માટે બનાવવામાં આવી સ્પેશ્યલ ટીમ
પ્રતીકાત્મક તસવીર
મૌની અમાવસ્યાની નાસભાગની ઘટના ષડ્યંત્ર હોવાના પુરાવા સામે આવી રહ્યા છે
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યામાં સ્નાન કરવા માટે સંગમ ઘાટ પર ભાગદોડ મચી હતી, જેમાં ૩૦ ભાવિકોએ જીવ ગુમાવ્યા હતા. આ કોઈ ષડયંત્ર તો નથીને એ જાણવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF) પ્રયાસ કરી રહી છે ત્યારે ઘટનાસ્થળના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કૅમેરામાં ૧૨૦ શંકાસ્પદ કેદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ એક બસમાં આ ૧૨૦ શંકાસ્પદો મહાકુંભમાં પહોંચ્યા હતા. કૅમેરાનાં ફુટેજમાં આ ૧૨૦ શંકાસ્પદો બસમાંથી ઊતરતા જોવા મળ્યા છે. તેમની ઓળખ કરવા માટે ૧૨
પોલીસ-અધિકારીની ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત પોલીસ શંકાસ્પદોની માહિતી મેળવવા માટે ખાવા-પીવાની વસ્તુઓ વેચતા લોકોની પૂછપરછ પણ કરી રહી છે. ભાગદોડના ઘટનાસ્થળે શંકાસ્પદો જોવા મળ્યા છે એટલે આ દુર્ઘટના ષડયંત્ર હોવાની શક્યતા પ્રબળી બની છે. ઉલ્લેખનીય છે કે ભાગદોડની ઘટનામાં ગુજરાત, આસામ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ૩૦ શ્રદ્ધાળુના જીવ ગયા હતા; જ્યારે ૯૦ ભાવિકોને ઈજા થઈ હતી.