ઘણા લોકોને તેમની આંખોનો કલર ગમતો નથી એથી તેઓ કૉન્ટૅક્ટ લેન્સ પહેરે છે, પણ હવે લોકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સર્જરી કરાવી લે છે
અજબગજબ
અમેરિકામાં લોકો આંખોનો રંગ બદલવા વાપરી રહ્યા છે ૧૦ લાખ રૂપિયા
ઘણા લોકોને તેમની આંખોનો કલર ગમતો નથી એથી તેઓ કૉન્ટૅક્ટ લેન્સ પહેરે છે, પણ હવે લોકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સર્જરી કરાવી લે છે અને એની પાછળ ૧૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. લૉસ ઍન્જલસનો ૫૭ વર્ષનો ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. બ્રાયન બૉક્સર વૉચલર આ કૉસ્મેટિક સર્જરી કરી રહ્યો છે અને ખૂબ જ ફેમસ થયો છે. ટિકટૉક પર તેના ૩૪ લાખ ફૉલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર ૩,૧૯,૦૦૦ ફૅન્સ છે. આ ડૉક્ટરનું કહેવું છે કે ‘આ કૉસ્મેટિક સર્જરી છે એ વાત સાચી, પણ એ આંખ માટે છે. લોકો બ્રેસ્ટની સાઇઝ બરાબર કરાવવા સર્જરી કરે છે, ફેસ-લિફ્ટ કરાવે છે, બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવે છે તો શા માટે તેઓ આંખોનો કલર ન બદલાવી શકે? લોકોને તેમની આંખનો કલર બદલવો હોય તો એમાં ખોટું શું છે.’
આ સર્જરીને કેરૅટોપિગમેન્ટેશન કહેવામાં આવે છે અને એમાં કૉર્નિયામાં જોઈએ એ રંગના પિગમેન્ટ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આંખનો કલર કાયમ માટે બદલાઈ જાય છે. એક આંખમાં ઑપરેશન માટે માત્ર ૧૫થી ૨૦ મિનિટ લાગે છે. એક આંખમાં કલર બદલવાનો ખર્ચ પાંચ લાખ રૂપિયા આવે છે અને બે આંખ માટે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ પ્રોસીજર એકદમ સલામત છે અને એનાથી આંખના વિઝનને અસર પડતી નથી. થોડી સાઇડ-ઇફેક્ટ જેવી કે લાઇટ-સેન્સિટિવિટી થાય છે, પણ એ થોડા સમયમાં જતી રહે છે.