આ ઐતિહાસિક ધનુષ્યની ભવ્ય શોભાયાત્રા ૩ જાન્યુઆરીએ ઓડિશાના રાઉરકેલાથી નીકળી હતી
આ પાંચ ધાતુનું ધનુષ્ય અને તીર ફક્ત ધાતુથી બનેલું ધનુષ્ય અને તીર નથી; શાશ્વત સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે
૨૦૨૪માં બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા સમારોહનાં બે વર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં પાંચ ધાતુઓથી બનેલા ૮ ફુટ લાંબા અને ૨૮૬ કિલોના કોદંડ (ધનુષ્ય)ની ભેટ આપવામાં આવી હતી. આ ધનુષ્ય હવે મંદિરની શોભા વધારશે. તામિલનાડુના કાંચીપુરમની ૪૮ મહિલા કારીગરોએ ધનુષ્ય બનાવવા માટે લગભગ ૮ મહિના સુધી અથાગ મહેનત કરી હતી.
આ ઐતિહાસિક કોદંડની ભવ્ય શોભાયાત્રા ૩ જાન્યુઆરીએ ઓડિશાના રાઉરકેલાથી નીકળી હતી અને ઓડિશાના તમામ ૩૦ જિલ્લાઓમાંથી પસાર થઈને ૧૯ જાન્યુઆરીએ પુરી પહોંચી હતી, જ્યાં એને ભગવાન જગન્નાથનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમય મુજબ બાવીસમી જાન્યુઆરીએ આ ધનુષ્ય અયોધ્યા પહોંચ્યું હતું અને ભગવાન શ્રી રામને સમર્પિત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં આગમન દરમ્યાન ભક્તોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. ભગવાન રામના ભક્તો માટે આ ક્ષણ અત્યંત ભાવનાત્મક અને ઐતિહાસિક માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ પાંચ ધાતુનું ધનુષ્ય અને તીર ફક્ત ધાતુથી બનેલું ધનુષ્ય અને તીર નથી; શાશ્વત સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે. એના નિર્માણ દરમ્યાન ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રીય નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું. આ ધનુષ્ય લગભગ ૮ ફુટ લાંબું છે. એ પાંચ ધાતુઓથી બનેલું છે જેમાં સોનું, ચાંદી, તાંબુ, જસત અને લોખંડનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં પાંચ ધાતુઓને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને એનો ઉપયોગ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ધાર્મિક વસ્તુઓના નિર્માણમાં થાય છે. ધનુષ્ય અને તીર પરની કોતરણી ભગવાન શ્રી રામની બહાદુરી, ગૌરવ અને ન્યાયીપણાના પ્રતીકને દર્શાવે છે.


