આ પ્રસંગે યોજાયેલી પૂજા અને હવનમાં મંદિરના પૂજારી, પોલીસ-અધિકારીઓ અને સુરક્ષા-જવાનોની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક કાશ્મીરી મુસ્લિમો પણ જોડાયા હતા.
શ્રીનગરમાં શ્રી દુર્ગેશ્વરી મંદિરનાં દ્વાર ખૂલ્યાં
શ્રીનગરના જૂના શહેરના ફતેહ કદલ વિસ્તારમાં આવેલા ૭૦૦ વર્ષ જૂના શ્રી દુર્ગેશ્વરી મંદિરનાં દ્વાર ૩૬ વર્ષ બાદ જીર્ણોદ્ધાર પછી ફરી ખોલવામાં આવ્યાં હતા. એક સમયે આતંકવાદનો ગઢ ગણાતા આ વિસ્તારમાં મંદિર ખૂલતાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી હતી. આ પ્રસંગે યોજાયેલી પૂજા અને હવનમાં મંદિરના પૂજારી, પોલીસ-અધિકારીઓ અને
સુરક્ષા-જવાનોની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક કાશ્મીરી મુસ્લિમો પણ જોડાયા હતા.
સપ્ટેમ્બર ૨૦૨૬માં શશી ટિક્કુના નેતૃત્વમાં કાશ્મીરી પંડિત સમુદાયે કોઈ પણ સરકારી મદદ વિના એકત્ર થઈને મંદિરના જીર્ણોદ્ધારની પહેલ શરૂ કરી હતી. સ્થાનિક મુસ્લિમ પરિવારો અને નજીકની મસ્જિદ કમિટીએ પણ સફાઈ, સમારકામ અને આર્થિક યોગદાન આપીને પૂરો સહયોગ આપ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ૧૯૯૦ના દાયકામાં આ મંદિરને આગ લગાડવાનો પ્રયાસ થયો હતો, જેને મુસ્લિમોએ નિષ્ફળ બનાવ્યો હતો. શશી ટિક્કુએ આશા વ્યક્ત કરી કે એનાથી ખીણનાં અન્ય ઐતિહાસિક મંદિરો સાચવવાની પ્રેરણા મળશે.
ADVERTISEMENT
આ પ્રાચીન મંદિરમાં શિવલિંગ બિરાજમાન છે અને અહીં અગાઉ દુર્ગા પાઠશાળા નામની સ્કૂલ ચાલતી હતી, જ્યાં ૧૯૯૦ના દાયકા સુધી હજારો હિન્દુ-મુસ્લિમ બાળકો સાથે ભણતાં હતાં. સ્થાનિક મુસ્લિમોએ આ ઘટનાને ‘કાશ્મીરિયત’ની વાપસી ગણાવીને કાશ્મીરી પંડિત પડોશીઓને ઘરે પરત ફરવા અપીલ કરી હતી.
