પિસ્ટલ સાફ કરતા હતા ત્યારે અકસ્માતે ગોળી માથામાં વાગી
પ્રતીકાત્મક તસવીર
પંજાબના લુધિયાણા-વેસ્ટ બેઠકના આમ આદમી પાર્ટી (AAP)ના ૫૮ વર્ષના વિધાનસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે પિસ્ટલ સાફ કરતી વખતે ગોળી માથામાં વાગતાં મૃત્યુ થયું હતું. તેઓ રૂમમાં એકલા હતા અને પિસ્ટલ સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના માથામાં ગોળી વાગી હતી. તેમને દયાનંદ મેડિકલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા.
આ ઘટના સંદર્ભે લુધિયાણાના ડેપ્યુટી પોલીસ-કમિશનર જસકરણ સિંહ તેજાએ કહ્યું હતું કે ‘ઘરના લોકોના કહેવા મુજબ ગુરપ્રીત ગોગીને ખુદને પિસ્તોલ સાફ કરતાં ગોળી વાગી હતી અને તેમને હૉસ્પિટલમાં લઈ જવાતાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. આ કેસમાં તપાસ કરવામાં આવશે. શુક્રવારે તેમના ઘરમાં ગોળી છૂટવાનો અવાજ આવતાં પરિવારજનો તેમની રૂમમાં ગયા હતા અને તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.’
ADVERTISEMENT
ગઈ કાલે ગુરપ્રીત ગોગી બસ્સીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ લુધિયાણા-વેસ્ટ વિધાનસભા બેઠકના વિધાનસભ્ય હતા અને ૨૦૨૨માં AAPમાં જોડાયા હતા. તેમણે બે વારના વિધાનસભ્ય ભરત ભૂષણ આશુને પરાજિત કર્યા હતા. તેમનાં પત્ની સુખચૈન કૌર ગોગી પણ લુધિયાણા સુધરાઈની ચૂંટણીમાં ઊભાં રહ્યાં હતાં પણ પરાજિત થયાં હતાં.