૫૦૦૦ ગાડીઓ ટોલ ભર્યા વિના નીકળી ગઈ, ૨૫થી ૩૦ લાખ રૂપિયાનું નુકસાન
હડતાળ પર ઊતરેલા ટોલનાકાના કર્મચારીઓ
ઉત્તર પ્રદેશમાં આગરા-લખનઉ એક્સપ્રેસવે પર શનિવારે સાંજે થોડાક કલાકો માટે હજારો વાહનો ટોલ ભર્યા વિના જ પસાર થઈ ગયાં હતાં. ફતેહાબાદ ટોલનાકા પાસેના કર્મચારીઓને દિવાળીનું પૂરતું બોનસ મળ્યું નહોતું એને કારણે તેઓ સાઇડ પર ધરણાં પર બેસી ગયા હતા અને ટોલનાકાને ખુલ્લું કરી દીધું હતું. સામાન્ય રીતે તેમને ૫૦૦૦ હજાર રૂપિયા બોનસમાં મળતા હતા, પરંતુ આ વખતે તેમને માત્ર ૧૧૦૦ રૂપિયા જ મળ્યા હતા. ઓછું બોનસ મળતાં ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ વિરોધ કરવા માટે ટોલ-ટૅક્સ માટેનાં બૅરિયર્સ હટાવી દીધાં હતાં અને તેઓ સાઇડમાં જઈને બેસી ગયા હતા. તહેવારની સીઝન હતી, હજારોની સંખ્યામાં ગાડીઓની અવરજવર થઈ રહી હતી અને ટોલ ખુલ્લો હોવાથી લોકો ફ્રી સમજીને નીકળી પડ્યા હતા. વિરોધ કરવા બેઠેલા કર્મચારીઓને પહેલાં તેમના મૅનેજરે સમજાવવાની કોશિશ કરી, પણ તેઓ ન માન્યા. હજારો ગાડીઓ નીકળી રહી હતી એટલે તેણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ આવી તો ખરી, પણ પહેલાં તેમણે શું થાય છે એ તમાશો જ જોયા કર્યો. જ્યારે કંપનીના ઉપરીઓએ કર્મચારીઓને મનાવ્યા ત્યારે તેઓ ફરી કામે ચડ્યા અને ટોલનાકું રાબેતા મુજબ કામ કરતું થયું. જોકે ત્યાં સુધીમાં લગભગ ૫૦૦૦થી વધુ ગાડીઓ ટોલ ભર્યા વિના ત્યાંથી પસાર થઈ ગઈ હતી અને લગભગ ૨૫થી ૩૦ લાખ રૂપિયાની ખોટ ગઈ હતી.
કંપનીએ બીજા ટોલપ્લાઝા પરથી કેટલાક કર્મચારીઓને ડ્યુટી પર બોલાવ્યા હતા, પણ પ્રદર્શનકારી કર્મચારીઓએ તેમને કામ કરવા નહોતું દીધું. જોકે પછી પોલીસે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે વાતચીત કરાવી અને તેમને ૧૦ ટકા સૅલેરી વધવાનું આશ્વાસન મળ્યું ત્યારે જ તેઓ કામે લાગ્યા હતા.
ADVERTISEMENT
કંપનીના પ્રોજેક્ટ મૅનેજરનું કહેવું હતું કે ‘લખનઉ તરફ જનારી લગભગ ૫૦૦૦ ગાડીઓ ટોલ આપ્યા વિના જતી રહી, કેમ કે એ ખૂબ ફુલ સ્પીડમાં પસાર થતી હતી. સ્પીડને કારણે ફાસ્ટ ટૅગ પણ સ્કૅન નહોતું થયું.’

