નાગપુરથી મુંબઈ પહોંચ્યા, પણ ફ્લાઇટ કૅન્સલ થવાથી જર્મની ન પહોંચી શકતાં ઍથ્લીટ્સ ભારે હૈયે પાછા ફર્યા
ઉત્સાહથી યુરોપિયન યુથ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલા ૧૩થી ૨૦ વર્ષના યુવા ખેલાડીઓ મુંબઈ ઍરપોર્ટ પર ભારતના ધ્વજ સાથે.
ગલ્ફમાં ચાલી રહેલા યુદ્ધની અસર સામાન્ય મુસાફરોની સાથે યુવા ખેલાડીઓને પણ થઈ રહી છે. ગલ્ફ દેશોમાં ઍરસ્પેસ બંધ થવાથી ૧૪ ભારતીય આઇસસ્ટૉક ખેલાડીઓ જર્મનીમાં યોજાનારી યુરોપિયન યુથ ચૅમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે.
૧૩થી ૨૦ વર્ષના ઍથ્લીટ્સની આ ટીમ ત્રણથી ૭ માર્ચ દરમ્યાન જર્મનીના ઇન્સેલમાં યોજાનારી યુરોપિયન યુથ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી હતી. બે વર્ષની ટ્રેઇનિંગ અને ક્વૉલિફાઇંગ રાઉન્ડ પછી ઍથ્લીટ્સ રવિવારે સવારે નાગપુરથી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈથી અબુ ધાબી અને પછી મ્યુનિકની ફ્લાઇટ રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યાની હતી, પણ ટીમની બધી આશાઓ પર પાણી ફરી ગયું હતું.
ADVERTISEMENT
ઍરલાઇને તેમણે જાણ કરી હતી કે પાંચમી તારીખ પહેલાં ફરીથી ફ્લાઇટ શેડ્યુલ થાય એવી શક્યતા નથી. તેથી ટીમ પાસે પાછા જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. દુખની વાત એ છે કે કર્લિંગ જેવી યુરોપિયન સ્પોર્ટસ્ આઇસસ્ટૉકને ભારતમાં સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી એટલે ખેલાડીઓના પેરન્ટ્સ અને આયોજકોએ ઇક્વિપમેન્ટ્સ, મુસાફરી અને આઇસ રિન્કની ઍક્સેસનો ખર્ચ ઉઠાવવો પડે છે. ટુર્નામેન્ટમાં ભાગ ન લઈ શકવાને કારણે તેમનો આ ખર્ચ પણ માથે પડશે.
