દીદી માટે રેજીનગર બેઠક ખાલી કરવા અને તેમને વિધાનસભામાં પાછાં મોકલવા હુમાયુ કબીરની ઑફર
હુમાયુ કબીર
આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના સ્થાપક હુમાયુ કબીરે તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજીને રેજીનગરથી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પાછાં ફરવાની ઑફર કરી છે. ૨૦૨૬ની ચૂંટણીમાં મુર્શિદાબાદ જિલ્લાના નૌડા અને રેજીનગર વિધાનસભા મતવિસ્તાર બન્ને જીતનારા હુમાયુ કબીરે કહ્યું કે તેઓ રેજીનગર બેઠક ખાલી કરવા અને ત્યાર બાદ થનારી પેટાચૂંટણી દ્વારા મમતા બૅનરજીને વિધાનસભામાં પાછાં ફરવા માટે મદદ કરવા તૈયાર છે.
હુમાયુ કબીરે આ મુદ્દે કહ્યું હતું કે ‘જો મમતા બૅનરજી મારી પાસે આવે તો હું તેમને રેજીનગરથી વિધાનસભામાં મોકલી શકું છું. જો તેઓ નંદીગ્રામથી ચૂંટણી લડશે તો જીતી શકશે નહીં, પરંતુ જો તેઓ ઇચ્છે તો હું રાજીનામું આપીશ અને મારા મતવિસ્તારમાંથી તેમનો વિજય સુનિશ્ચિત કરીશ. આજે મમતા બૅનરજી જે પરિસ્થિતિમાં છે એનાથી હું ખૂબ દુખી છું. આજે હું જે કંઈ છું એ તેમના કારણે છું. હવે કોઈ તેમનું સાંભળશે નહીં, પરંતુ રેજીનગરમાં હુમાયુ કબીરનો શબ્દ અંતિમ છે.’
ADVERTISEMENT
હુમાયુ કબીરને ગયા વર્ષે તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ મમતા બૅનરજીના સૌથી ઉગ્ર ટીકાકારોમાંના એક બન્યા હતા. તેમની નવી પાર્ટીએ મુર્શિદાબાદમાં પ્રભાવ જાળવી રાખ્યો હતો જેમાં હુમાયુ કબીર પોતે બે મતવિસ્તારમાંથી જીત્યા હતા.
