૨૦૧૯ની ૩૦ મેએ કાર્યભાર સંભાળ્યો, ૪ ઑગસ્ટે તેમને આ પદ પર ૨૨૫૮ દિવસ થયા. લાલ કૃષ્ણ અડવાણી અને ગોવિંદ વલ્લભ પંતનો રેકૉર્ડ તોડ્યો
અમિત શાહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે NDAની સંસદીય બેઠકમાં સૌથી લાંબા સમય સુધી કાર્યભાર સંભાળનારા કેન્દ્રીય ગૃહપ્રધાન બનવા બદલ ગૃહપ્રધાન અમિત શાહની પ્રશંસા કરી હતી.
૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા પછી અમિત શાહ દેશમાં સૌથી લાંબા સમય સુધી કાર્યભાર સંભાળનારા કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા છે, જે BJPના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીના અગાઉના રેકૉર્ડને તોડી નાખે છે. અમિત શાહે ૨૦૧૯ની ૩૦ મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળમાં આ પદ સંભાળ્યું હતું.
ADVERTISEMENT
સૌથી લાંબા સમય સુધી ગૃહપ્રધાન રહેવાનો રેકૉર્ડ કૉન્ગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંત અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા લાલ કૃષ્ણ અડવાણીના નામે હતો. અડવાણીએ ૨૨૫૬ દિવસ (૧૯૯૮ની ૧૯ માર્ચથી ૨૦૦૪ની બાવીસમી મે સુધી) સુધી આ પદ સંભાળ્યું હતું, ત્યારે ગોવિંદ વલ્લભ પંતે ૧૯૫૫ની ૧૦ જાન્યુઆરીથી ૧૯૬૧ની ૭ માર્ચ સુધી કુલ ૬ વર્ષ ૫૬ દિવસ ગૃહપ્રધાન તરીકે સેવા આપી હતી.
૨૦૧૯ની ૩૦ મેથી ગૃહપ્રધાનપદ પર રહેલા અમિત શાહે ૪ ઑગસ્ટે પદ પર ૨૨૫૮ દિવસ પૂરા કર્યા હતા.
ગૃહપ્રધાન અમિત શાહના કાર્યકાળમાં પાંચમી ઑગસ્ટ સીમાચિહ્નરૂપ છે, કારણ કે ૨૦૧૯માં આ જ દિવસે તેમણે સંસદમાં ૩૭૦મી કલમ રદ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો.

