અમિત શાહે કહ્યું કે જેકોઈ ભારતમાં અશાંતિ ફેલાવવા આવે છે તેમની સાથે કઠોરતાથી વ્યવહાર કરવામાં આવશે : લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ થઈ ગયું
ગઈ કાલે લોકસભામાં બોલતા અમિત શાહ.
લોકસભામાં ગુરુવારે ઇમિગ્રેશન ઍન્ડ ફૉરેનર્સ બિલ ૨૦૨૫ પાસ થયું હતું. બિલ પર ચર્ચા દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સરકાર એ તમામ લોકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે જેઓ પર્યટક તરીકે અથવા અભ્યાસ, સ્વાસ્થ્ય સેવા કે બિઝનેસ માટે ભારત આવવા ઇચ્છે છે, પરંતુ જે લોકો ખતરારૂપ છે તેમની સાથે ગંભીરતાથી વ્યવહાર કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર માત્ર એ લોકોને ભારત આવવાથી રોકશે જેના ભારત આવવાના ઇરાદા ખરાબ છે એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘ભારત કોઈ ધર્મશાળા નથી. જે લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે. જો કોઈ વિકાસમાં યોગદાન આપવા માટે દેશમાં આવે છે તો તેમનું હંમેશાં સ્વાગત છે. રોહિંગ્યા કે બંગલાદેશી હોય, જો અહીં અશાંતિ ફેલાવવા આવે છે તો એવા લોકો સાથે ખૂબ કઠોરતાથી વ્યવહાર કરવામાં આવશે.’
ADVERTISEMENT
મમતા સરકાર પર અમિત શાહનો આરોપ
અમિત શાહે મમતા સરકાર પર ઓળખપત્ર આપીને ગેરકાયદે પ્રવાસીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભલે બંગલાદેશી ઘૂસણખોર હોય કે રોહિંગ્યા, પહેલાં તેઓ આસામના રસ્તે ભારતમાં આવતા હતા જ્યારે કૉન્ગ્રેસ સત્તામાં હતી; પણ હવે તેઓ પશ્ચિમ બંગાળના રસ્તે ભારત આવે છે જ્યાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) સત્તામાં છે. કોણ તેમને આધાર કાર્ડ, નાગરિકતા આપે છે? પકડાયેલા તમામ બંગલાદેશીઓ પાસે ૨૪ પરગણા જિલ્લાનાં આધાર કાર્ડ છે. ટીએમસી તેમને આધાર કાર્ડ આપે છે અને પછી તેઓ વોટર કાર્ડ સાથે દિલ્હી આવે છે.’

