ભારતે ૨૭ સરહદી સ્થળોનાં સત્તાવાર નામો જાહેર કર્યા બાદ આવી આ પ્રતિક્રિયા, કહ્યું કે ભારતીય સેના સરહદ પર ચુસ્ત પૅટ્રોલિંગ કરી રહી છે
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ રાજ્યમાં ચીની સૈન્યની ઘૂસણખોરીના અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં ચીની અતિક્રમણનાં કોઈ જ એંધાણ નથી અને ભારતીય સેના સરહદનું અસરકારક રીતે ચુસ્ત પૅટ્રોલિંગ કરીને રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરી રહી છે.
કેન્દ્ર સરકારે ચીનની ચાલબાજી સામે અરુણાચલ પ્રદેશનાં ૨૭ સરહદી સ્થળોનાં સત્તાવાર નામો સર્વે ઑફ ઇન્ડિયા (SoI)ના અધિકૃત મૅપ પર જાહેર કર્યાં હતાં. આ ઘટનાના બીજા દિવસે જ મુખ્ય પ્રધાનનું આ નિવેદન આવ્યું છે. સરકારે આ કવાયતનો હેતુ ભૌગોલિક અને ઐતિહાસિક સ્થાનોની સાચી ઓળખ આપીને સચોટ જાગૃતિ લાવવાનો બતાવ્યો હતો.
શું કર્યું શુક્રવારે ભારતે?
ADVERTISEMENT
ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાx કાલ્પનિક નામો આપવાની વારંવાર કરાતી હરકતો સામે ભારતે શુક્રવારે કડક રાજદ્વારી જવાબ આપ્યો હતો. લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ને અડીને આવેલાં અરુણાચલ પ્રદેશનાં ૨૭ પ્રમુખ સ્થળો અને ભૌગોલિક સીમાઓના સત્તાવાર નામો ભારતે જાહેર કર્યાં હતાં.
આ નવી યાદીમાં ૧૯૫૯થી ચીનના નિયંત્રણ હેઠળના પરંતુ ભારતની સીમામાં આવતા સરહદી ગામ લોંગજુ ઉપરાંત ૨૧ જમીન વિસ્તારો, ૪ પહાડી સ્થળો, એક સરોવર અને લશ્કરી સ્મારકનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર મૅપિંગથી ભારતનો કાયદાકીય અને સાર્વભૌમ અધિકાર વધુ મજબૂત બનશે તેમ જ વહીવટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગમાં સચોટતા આવશે.
ચીન અરુણાચલ પ્રદેશને ‘દક્ષિણ તિબેટ’ ગણાવીને વારંવાર મનસ્વી રીતે બોગસ નામો જાહેર કરતું હતું. વિદેશમંત્રાલયે ચીનની આ ચાલબાજીને સખત શબ્દોમાં ફગાવીને સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય ભાગ હતો, છે અને કાયમ રહેશે. બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદ ઉકેલવાની પ્રક્રિયા વચ્ચે ભારતનું આ કદમ અત્યંત મહત્ત્વનું ગણાય છે.
