બિલ જમા ન થાય તો પણ હૉસ્પિટલ બે કલાકથી વધારે સમય સુધી મૃતદેહ રોકી શકશે નહીં
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા
આસામ સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોની મનમાની રોકવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોઈ પણ પ્રાઇવેટ હૉસ્પિટલ સારવારનું બિલ બાકી હોય તો પણ મૃતદેહને બે કલાકથી વધુ સમય માટે રાખી શકશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ કૅબિનેટની બેઠક બાદ એક પત્રકાર-પરિષદમાં કરી હતી.
આ મુદ્દે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘પાર્થિવ દેહને રોકી રાખવા પરિવાર પર દબાણ કરવું અમાનવીય છે. હૉસ્પિટલોને હવે કોઈ પણ સંજોગોમાં આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવા નિયમ હેઠળ ભલે સારવાર માટેના બિલની ચુકવણી બાકી હોય તો પણ હૉસ્પિટલોએ મૃત્યુની પુષ્ટિ થયાના બે કલાકની અંદર મૃતદેહ પરિવારને સોંપવો ફરજિયાત રહેશે. નિયમોનો ભંગ કરનાર હૉસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ADVERTISEMENT
ચોવીસે કલાક હેલ્પલાઇન
સરકારે આ નિયમનો અસરકારક અમલ કરવા માટે ચોવીસે કલાક ઉપલબ્ધ રહે એવો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 104 શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નંબર પર પરિવાર મૃતદેહ ન સોંપવા અંગેની ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ મળતાંની સાથે જ સંબંધિત અધિકારી સ્થળ પર પહોંચીને મૃતદેહ પરિવારને સોંપવાની પ્રક્રિયા અને હૉસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ખાતરી કરશે.
આવા બનાવો બાદ નિયમ બન્યો
દેશભરમાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાં મૃતદેહ રોકી રાખવાની ઘટનાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૨૦માં કર્ણાટકના બૅન્ગલોરમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલે બાકી બિલોને કારણે મૃતદેહ રોકી રાખ્યો હતો, જેના પછી પરિવારે રાતોરાત પૈસા એકઠા કરવા પડ્યા હતા. ૨૦૨૧માં ગુજરાતની એક હૉસ્પિટલે બિલ ન ચૂકવવા બદલ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારની કાર પણ જપ્ત કરી હતી.

