કેદારનાથ ધામનાં કપાટ બાવીસ એપ્રિલે સવારે આઠ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને પૂરા વિધિવિધાનથી ખોલવામાં આવશે
ફાઇલ તસવીર
હિમાલયની ગોદમાં વસેલાં પવિત્ર ધામોમાં ફરી એક વાર આસ્થાની રોનક પાછી આવવાની છે. બરફની ચાદર ઓઢીને મહિનાઓથી બેઠેલા બાબા કેદારનાથનાં દ્વાર બાવીસમી એપ્રિલથી ખૂલશે અને ભક્તોને દર્શન આપશે. ગઈ કાલે મહાપર્વ મહાશિવરાત્રિએ કેદારનાથના રાવલ જગદ્ગુરુ ભીમાશંકર લિંગની હાજરીમાં ઓમકારેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી કપાટ ખોલવાની તિથિ નક્કી થઈ હતી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામનાં કપાટ બાવીસ એપ્રિલે સવારે આઠ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને પૂરા વિધિવિધાનથી ખોલવામાં આવશે.
કપાટ વૃષભ લગ્નમાં ખૂલશે જેને શાસ્ત્રોમાં અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે ભૈરવનાથ બાબાને કેદારનાથ ધામના ક્ષેત્રપાલ માનવામાં આવે છે અને તેમની પૂજા વિના કપાટ નથી ખોલી શકાતાં.
ADVERTISEMENT
ગયા વર્ષે બાબા કેદારનાથ ધામનાં દ્વાર મે મહિનાની દસમી તારીખે ખૂલ્યાં હતાં, પણ આ વર્ષે બાવીસ એપ્રિલથી ખૂલશે. જલદી યાત્રા શરૂ થવાથી ભક્તોને તો વધુ સમય મળશે જ, સાથે સ્થાનિક વેપાર અને વ્યવસાયોને પણ લાભ થશે.
પરંપરાગત ધાર્મિક ક્રિયાઓ
૧૮ એપ્રિલે સૌથી પહેલાં ભૈરવનાથની પૂજા કરવામાં આવશે.
૧૯ એપ્રિલે ચલ ઉત્સવ થશે. ઉખીમઠથી પંચમુખી ડોલીનું પ્રસ્થાન થશે.
૨૦ એપ્રિલે ગૌરીકુંડમાં રાત્રિવિશ્રામ.
૨૧ એપ્રિલે કેદારનાથ ધામ પહોંચશે બાબાની ડોલી.
૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે વિધિવિધાનથી કપાટ ખૂલશે.
ચારધામનાં અન્ય યાત્રાધામોમાંથી યમુનોત્રી અને ગંગોત્રી ધામ અક્ષયતૃતીયાના દિવસે ૧૯ એપ્રિલે ખૂલશે અને બદરીનાથ ધામ ૨૩ એપ્રિલે ખુલ્લું મુકાશે.


