જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્થિત લાલ ચોક વિસ્તારમાં રવિવારે સવારે પ્રતાપ પાર્કની દીવાલ પર એક બૅનર લટકતું જોવા મળ્યું હતું.
૪ વૉન્ટેડ આતંકવાદીઓ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્થિત લાલ ચોક વિસ્તારમાં રવિવારે સવારે પ્રતાપ પાર્કની દીવાલ પર એક બૅનર લટકતું જોવા મળ્યું હતું. આ બૅનરમાં જુલાઈ મહિનામાં અનંતનાગમાં એક પોલીસજવાનની હત્યામાં સંડોવાયેલા મોહમ્મદ લતીફ ભટ સહિત ૪ વૉન્ટેડ આતંકવાદીઓ વિશે માહિતી આપવા અપીલ કરવામાં આવી હતી.
આ આતંકવાદીઓમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો મોહમ્મદ લતીફ ભટ કાશ્મીર ખીણમાં સક્રિય છે; જ્યારે બારામુલ્લા જિલ્લાના અન્ય ત્રણ આતંકવાદીઓ બિલાલ અહમદ મીર, મોહમ્મદ ઉમર મીર અને આબિદ કયૂમ લોન હાલ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરથી ઑપરેટ કરી રહ્યા હોવાનું અનુમાન છે.
બૅનરમાં સ્પષ્ટપણે અપીલ કરવામાં આવી હતી કે `જે કોઈ પણ વ્યક્તિ આ આતંકવાદીઓની હિલચાલ કે તેમની હાજરી વિશે સચોટ અને વિશ્વસનીય માહિતી આપશે તેની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે.` નોંધનીય છે કે સુરક્ષાદળો દ્વારા આ આતંકવાદીઓને પકડવા માટે સઘન તપાસ ચાલી રહી છે, જેના ભાગરૂપે આ બૅનર લગાવવામાં આવ્યાં છે.
