રીંછ એક છોકરાને ખેંચીને જતું હતું, પણ એક છોકરીએ તેને પથ્થર મારતાં છોકરાને છોડીને રીંછ ભાગી ગયું
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડના ચમોલીમાં સોમવારે બે રીંછોએ ૧૨ સ્ટુડન્ટ્સ પર હુમલો કર્યો હતો અને મંગળવારે ફરી બે સ્ટુડન્ટ્સ પર હુમલો કર્યો હતો. જોકે શિક્ષકો અને સ્ટુડન્ટ્સની બહાદુરીને કારણે બાળકોનો જીવ બચી ગયો છે, પણ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે અને વન વિભાગને સુરક્ષા વધારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સોમવારે ચમોલીમાં બે રીંછે ૧૨ બાળકો પર હુમલો કર્યો હતો. હરિશંકર જુનિયર હાઈ સ્કૂલમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી આરવને રીંછ પકડીને જંગલમાં ખેંચી ગયું હતું. આ દરમ્યાન આઠમા ધોરણમાં ભણતી દિવ્યા હિંમત બતાવીને રીંછની પાછળ દોડી હતી અને રીંછ પર પથ્થર ફેંકતાં રીંછ આરવને મૂકીને નાસી છૂટ્યું હતું.
ADVERTISEMENT
બીજા દિવસે મંગળવારે એક રીંછે સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હતો. ગોપેશ્વરની સરકારી ગર્લ્સ ઇન્ટર કૉલેજ પાસે સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રાધિકા રાવત સ્કૂલમાં જતી હતી ત્યારે તેણે સ્કૂલની નીચે રીંછ જોયું હતું. પોતાનો જીવ બચાવવા તે દોડી હતી પણ પડી જતાં તે ઘાયલ થઈ હતી. એ સમયે બીજી સ્ટુડન્ટ સીમા રાધિકાની હાલત જોઈને ગભરાઈ ગઈ અને સ્કૂલ પરિસરમાં બેભાન થઈ ગઈ હતી. સ્કૂલ પ્રશાસને તાત્કાલિક બન્નેને હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધી હતી. તેમની હાલત હાલમાં સ્થિર છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે રીંછે હુમલો કર્યો એ સ્થળથી ડિસ્ટ્રિક્ટ ફૉરેસ્ટ ઑફિસ માત્ર ૪૦૦ મીટર દૂર છે. આમ છતાં વન વિભાગ અત્યાર સુધી આ વિસ્તારમાં રીંછની ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યો છે.
માનવ-વન્યજીવન સંઘર્ષની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પહેલાંથી જ નિર્દેશ આપ્યો છે કે વન વિભાગની ટીમો આવી કોઈ પણ ઘટનાની માહિતી મળ્યાના ૩૦ મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચે. જોકે ચમોલીમાં બનેલી ઘટનાઓ આ સૂચનાઓની વાસ્તવિકતા પર પ્રશ્નો ઊભા કરી રહી છે.


