ભોજનમાં ઊંઘની ગોળીઓ મિલાવી અને પછી ગળું ચીરી નાખ્યું
પત્ની અને એની મમ્મી તેમ જ લોકનાથ સિંહ
બૅન્ગલોરમાં ૩૭ વર્ષના રિયલ એસ્ટેટ બિઝનેસમૅન લોકનાથ સિંહની હત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં પોલીસે લોકનાથની પત્ની અને સાસુની ધરપકડ કરી છે. લોકનાથના લગ્નબાહ્ય સંબંધો અને ગેરકાયદે બિઝનેસ-વ્યવહારને પગલે પત્ની અને સાસુએ તેની હત્યા કરી હતી.
લાવારિસ કારમાં મૃતદેહ મળ્યો
ADVERTISEMENT
શનિવારે બાવીસમી માર્ચે સાંજે સાડાપાંચ વાગ્યે બૅન્ગલોરના ચિક્કાબનવારા વિસ્તારમાં લાવારિસ કારમાં એક પુરુષનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. એ મૃતદેહ લોકનાથ સિંહનો હતો.
મા-દીકરીની ધરપકડ
પોલીસતપાસમાં કારના માલિક અને બીજી વિગતો મળતાં પોલીસ લોકનાથ સિંહના ઘરે પહોંચી હતી અને પૂછરપછ પછી તેની પત્ની અને સાસુની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ‘આ મા-દીકરીએ લોકનાથને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપીને બેભાન કર્યો હતો અને કારમાં સૂમસામ જગ્યાએ લઈ જઈને તેનું ગળું ચીરી નાખ્યું હતું. એ પછી ગભરાઈ જતાં બન્ને ડેડ-બૉડીને કારમાં મૂકીને નાસી ગયાં હતાં.’
ડિસેમ્બરમાં લગ્ન
લોકનાથ પત્ની સાથે બે વર્ષ રિલેશનશિપમાં હતો અને ગયા ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. તેમની વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી લોકનાથના પરિવારે આ રિલેશનશિપનો વિરોધ કર્યો હતો. બેઉએ લગ્નની વાત કોઈને કરી નહોતી. લગ્નના ૧૫ દિવસ બાદ લોકનાથ પત્નીને તેની મમ્મીના ઘરે મૂકી આવ્યો હતો.
બે અઠવાડિયાં પહેલાં જાણ થઈ
લોકનાથની પત્નીના પરિવારને બે અઠવાડિયાં પહેલાં આ લગ્નની જાણ થઈ હતી. આ સિવાય લોકનાથના લગ્નબાહ્ય સંબંધો અને ગેરકાયદે બિઝનેસ-સોદાની પણ જાણ થઈ હતી એથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા માંડ્યા હતા.
પત્નીના પરિવારને ધમકી આપી
લોકનાથનાં સાસરિયાં છૂટાછેડા વિશે વિચાર કરી રહ્યાં હતાં એટલે લોકનાથે તેનાં સાસરિયાંને ધમકાવવાની શરૂઆત કરી હતી અને ગંભીર પરિણામની ચેતવણી આપી હતી. એટલે લોકનાથની પત્ની અને સાસુએ તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

