Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉક્રૉચ જનતા પાર્ટીના અડધોઅડધ ફૉલોઅર્સ પાકિસ્તાની છે, ભારતના માત્ર ૯ ટકા ફૉલોઅર્સ

કૉક્રૉચ જનતા પાર્ટીના અડધોઅડધ ફૉલોઅર્સ પાકિસ્તાની છે, ભારતના માત્ર ૯ ટકા ફૉલોઅર્સ

Published : 23 May, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં ખૂલી કૉક્રૉચ અવામી પાર્ટી, ઍન્ટિ-કૉક્રૉચ અભિયાન તરીકે નવું ઑગી કૉક્રૉચ પાર્ટીનું પેજ ખૂલ્યું : CJPના ફાઉન્ડર અભિજિતે કહ્યું કે મને મારવાની ધમકી મળે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) ભલે મજાક અને વ્યંગમાં બની હોય, પરંતુ આ અભિયાન સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે અને એને ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. જોકે કેટલાક લોકો આ અભિયાન પાછળ રાજકીય કાવતરાની શંકા પણ કરી રહ્યા છે. BJPના નેતા તેજિન્દર બગ્ગાએ આ પાર્ટીના ફૉલોઅર્સ કયા દેશના છે એનું વિશ્લેષણ કરીને તારવ્યું છે કે CJPના સૌથી વધુ ફૉલોઅર્સ પાકિસ્તાનના છે અને આ શૅર કંઈ નાનોસૂનો નથી. લગભગ ૪૯ ટકા ફૉલોઅર્સ પાકિસ્તાનના છે. આ ઉપરાંત અમેરિકામાં ૧૪ ટકા, બંગલાદેશમાં ૧૪ ટકા અને ભારતમાં માત્ર ૯ ટકા ફૉલોઅર્સ જ છે.

ભારતમાં આ ડિજિટલ અભિયાન પછી કૉક્રૉચ જનતા પાર્ટીનું પાકિસ્તાની વર્ઝન પણ ઑનલાઇન સામે આવ્યું છે. પાડોશી દેશમાં આ માટે કૉક્રૉચ અવામી પાર્ટી નામ કૉઇન કરવામાં આવ્યું છે. આ ભારતીય આંદોલનથી પ્રેરિત હોવાનું મનાય છે. જોકે આ વાતનો ગણગણાટ શરૂ થતાં આ પાર્ટીની ઓળખમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું, ‘હાં, કૉપી કિયા હૈ, પર ક્યા ફર્ક પડતા હૈ, મોટો વહી હૈ.’ પાકિસ્તાની અકાઉન્ટનું કહેવું છે કે આ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ટીમ સાથે જોડાયેલું નથી, આ અભિયાનનો હેતુ પાકિસ્તાનના જેન-ઝીને અસલી અવાજ આપવાનો છે.  



માતા-પિતા બે રાતથી સૂતાં નથી


CJP સોશ્યલ પેજ અચાનક લોકપ્રિય થઈ ગયું, પરંતુ એના ફાઉન્ડર અભિજિત દીપકેના પેરન્ટ્સ એનાથી ખૂબ હેરાન થઈ ગયા છે. તેના પેરન્ટ્સ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહે છે. તેની મમ્મી અનીતા દીપકેએ એક મરાઠી ન્યુઝ-ચૅનલને કહ્યું હતું કે ‘અમને કૉક્રૉચ જનતા પાર્ટી વિશે એક પાડોશી પાસેથી ખબર પડી હતી. હું ઇચ્છું છું કે દીકરો રાજકારણથી દૂર રહે. તે આમ આદમી પાર્ટી સાથે કામ કરી ચૂક્યો છે. એ સમયે પણ મેં તેને ના પાડી હતી અને કહ્યું હતું કે તેણે કોઈ નોકરી કરી લેવી જોઈએ. અભિજિતના આ પગલાથી અમારી રાતોની ઊંઘ ઊડી ગઈ છે. બે રાતથી અમે સૂતાં નથી. રાજકારણમાં જવું કે ન જવું એ તેનો નિર્ણય રહેશે, પણ હું તેને એમાં સાથ નહીં આપું.’

કૉક્રૉચ જનતા પાર્ટીની સામે ઊભી થઈ ઑગી જનતા પાર્ટી


સોશ્યલ મીડિયા પર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) સામે ઍન્ટિ-કૉક્રૉચ કૅમ્પેન શરૂ કરવા માટે ઑગી જનતા પાર્ટી (OJP)નું પેજ શરૂ થયું છે. OJP મુખ્યત્વે કૉક્રૉચ જનતા પાર્ટીની બૂરાઈ કરવા માટે બનાવવામાં આવી છે. આ પાર્ટીના પેજ પર કહેવાયું છે કે એનો હેતુ કીડા, મકોડા અને ખાસ કરીને કૉક્રૉચિસને ખતમ કરવાનો છે. આ પેજ પર ભારતીય સ્વતંત્રતા-સેનાનીઓની તસવીરોનો કોલાજ પણ શૅર કરવામાં આવ્યો છે. સાથે લખ્યું છે, ‘તલવારોની ધારથી બનેલી જમીન પર યુવાનો ખુદને કૉક્રૉચ કહેવામાં ગર્વ અનુભવે છે. અસલમાં આ દેશની બેરોજગારીની સમસ્યાનું એક લક્ષણ છે.’

પેજમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આને કોઈ પૉલિટિકલ પાર્ટીનો સપોર્ટ નથી. આ OJPને પણ જોતજોતામાં ૧૦,૦૦૦ ફૉલોઅર્સ મળી ગયા છે. 

CJP સોશ્યલ પેજના ફાઉન્ડરે માગ્યું NEET-UG પેપર-લીકના મામલે શિક્ષણપ્રધાનનું રાજીનામું

ના-ના કરતાં પણ CJPને રાજકીય રંગ આપવાના ઇરાદાઓ વિશે અભિજિત દીપકે કહે છે, ‘બધા લોકો મને કહી રહ્યા છે કે આપણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. હવે અસલી કામ કરવાનો સમય આવી ગયો છે.’

કૉક્રૉચ જનતા પાર્ટી સોશ્યલ પેજ બનાવનાર અભિજિત દીપકે શુક્રવારે પહેલી વાર ઑનલાઇન આવ્યો હતો અને NEET-UG પેપર-લીક મામલે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર યાદવના રાજીનામાની માગણી કરી હતી. દીપકે વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘બધા લોકો મને કહી રહ્યા છે કે આપણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે, હવે અસલી કામ કરવાનો સમય આવી ગયો છે. આજે અમે એક પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી કરી છે. તમે વધુ ને વધુ લોકો આ પિટિશન પર સાઇન કરો જેથી સિસ્ટમની ભૂલો પર સવાલ ઉઠાવી શકાય.’

મારી ધરપકડ થશે

આ પહેલાં જ અભિજિતે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સોશ્યલ મીડિયા પર મારા અભિયાને જે ધૂમ મચાવી છે એ પછી હવે જો હું દિલ્હી આવીશ તો પોલીસ મારી ધરપકડ કરવા તૈયાર હશે અને મને તિહાર જેલમાં બંધ કરી દેવામાં આવશે.

અભિજિતને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી રહી છે. વૉટ્સઍપ પર તેને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે એના પુરાવારૂપે તેણે એક સ્ક્રીન-શૉટ શૅર કર્યો હતો જેમાં લખ્યું છે, ‘સુન, પૈસા મિલેગા તુઝે, યે અકાઉન્ટ બંધ કર દે, વરના BJP મેં આ. વરના અમેરિકા મેં ભી મરવા દેંગે તુઝે.’

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK