આૅપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન પર છોડી હતી આ મિસાઇલો
આકાશ-NG
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)એ આકાશ-NG (ન્યુ જનરેશન) મિસાઇલની યુઝર-ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ૭૦-૮૦ કિલોમીટરની રેન્જ ધરાવતી આ ઍડ્વાન્સ્ડ ઍર ડિફેન્સ મિસાઇલ ૩૦ મીટરથી ૨૦ કિમીની ઊંચાઈથી હાઈ-સ્પીડ જોખમોનો નાશ કરી શકે છે.
ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ-રેન્જ ખાતે હાથ ધરવામાં આવેલાં પરીક્ષણોમાં આ મિસાઇલ તમામ ધોરણોને પૂર્ણ કરે છે. તે હવે ભારતીય સેના અને વાયુસેનામાં સામેલ થવા માટે તૈયાર છે. આ મિસાઇલ જૂની આકાશ મિસાઇલનું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે જે હાઈ-સ્પીડ અને ચપળ હવાઈ ખતરાનો સામનો કરવા સક્ષમ છે. જૂની આકાશ મિસાઇલોનો ઑપરેશન સિંદૂર વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પરીક્ષણો વખતે આકાશ-NGએ વિવિધ ઊંચાઈ અને રેન્જ પર હવાઈ લક્ષ્યોને સફળતાપૂર્વક અટકાવ્યાં હતાં. આમાં ખૂબ જ ઓછી ઊંચાઈવાળાં નજીકનાં લક્ષ્યો અને લાંબા અંતરનાં ઊંચાઈવાળાં લક્ષ્યોનો સમાવેશ થાય છે. મિસાઇલે હાઈ-સ્પીડ, લો-રડાર સિગ્નેચરવાળાં લક્ષ્યોને પણ નષ્ટ કર્યાં હતાં.
આકાશ-NG એક મધ્યમ-અંતરની મોબાઇલ સરફેસ ટુ ઍર મિસાઇલ (SAM) સિસ્ટમ છે જે સંપૂર્ણપણે સ્વદેશી છે. એ ફાઇટર જેટ, હેલિકૉપ્ટર, ડ્રોન, ક્રૂઝ મિસાઇલ અને ઍર-ટુ-સરફેસ મિસાઇલો જેવાં જોખમોનો સામનો કરી શકે છે.


