ભ્રષ્ટાચાર વિશે પ્રશ્નો ઉઠાવતાં મેઘાલયમાં કરવામાં આવી હતી બદલી
સત્યપાલ મલિક
આમ આદમી પાર્ટીએ મંગળવારે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતના રાજીનામાની માગણી કરી છે. ગોવાના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એવા આક્ષેપ કર્યા છે કે ગોવા સરકારમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને એ વિશે પ્રશ્નો ઉઠાવતાં તેમની મેઘાલયમાં બદલી કરવામાં આવી.
મેઘાલયના ગવર્નર બન્યા પછી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે ગોવાની સરકારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એ વિશે પ્રશ્નો ઉઠાવતાં તેમને મેઘાલય મોકલવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ મલિકના આક્ષેપના પગલે ગોવા સરકારમાં ભ્રષ્ટાચારના તપાસની પણ માગણી કરી છે. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કદાચ પહેલી વાર બીજેપીએ નીમેલા ગવર્નર દ્વારા બીજેપીના જ મુખ્ય પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.
ADVERTISEMENT
મલિકે કહ્યું હતું કે ગોવા સરકારની ઘરે-ઘરે અનાજ વિતરણની યોજના અસંભવ હતી. માત્ર એક કંપનીના આગ્રહને લીધે આ યોજના અમલમાં મૂકવામાં આવી. કૉન્ગ્રેસ સહિતના આગેવાનો દ્વારા મને આ મામલે તપાસ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ મામલામાં તપાસ કર્યા બાદ મેં વડા પ્રધાનને જાણ કરી હતી. એ ઉપરાંત ઍરપોર્ટ પાસેના એક વિસ્તારમાં ખોદકામ માટે ટ્રકની આવ-જા થતી હતી. કોરોનાની પરિસ્થિતિ જોતાં એ બંધ કરાવવા મેં સૂચવ્યું હતું, પણ રાજ્ય સરકારે એ ન સાંભળ્યું અને અંતે એ જ વિસ્તાર કોરોના હૉટસ્પૉટ બન્યો હતો.

