આખી દુનિયાને કંઈ ચિકન વેચીને જીવવાની જરૂર નથી
દીપક બાલી
અમ્રિતસર શહેરને પવિત્ર દરજ્જો મળ્યા પછી પંજાબ સરકાર દ્વારા માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય વચ્ચે પંજાબ સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના સલાહકાર દીપક બાલીએ આ પગલાનો બચાવ કરતાં કહ્યું કે ‘આ શહેરના આધ્યાત્મિક વારસા અને ગુરુ રામદાસસાહેબના ઉપદેશોના સન્માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખી દુનિયાએ ચિકન વેચીને જીવવાની જરૂર નથી.’
શહેરના આધ્યાત્મિક મહત્ત્વ પર ભાર મૂકતાં એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં દીપક બાલીએ કહ્યું હતું કે ‘આ ગુરુસાહેબની ભૂમિ છે. ગુરુ રામદાસસાહેબે આ શહેરની સ્થાપના કરી હતી એથી આદર સાથે કહેવું જોઈએ કે આપણે એની પ્રશંસા કરવી જોઈએ કે પંથની સરકારો જે ન કરી શકી એ આપણે કરી બતાવ્યું છે અને આ લોકો આપણી સાથે છે. આપણા ગુરુસાહેબથી મોટું કાંઈ નથી. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ બીજાઓથી પ્રભાવિત ન થાય. અમે બધાને આ સ્વીકારવા વિનંતી કરીએ છીએ.’
માંસાહારી ખોરાક પર પ્રતિબંધને કારણે આજીવિકા પર અસર પડી રહી છે એ વિશેની ચિંતાઓના જવાબમાં દીપક બાલીએ કહ્યું હતું કે ‘આખી દુનિયાને ચિકન વેચીને જીવવાની જરૂર નથી. જો તેઓ કામ કરે છે તો તેઓ બીજે ક્યાંક કામ શોધી શકશે. તેઓ એ બહાર કરી શકે છે. આ હવે કાયદો બની ગયો છે અને એનો અમલ કરવામાં આવશે.’


