Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશમાં હવે ગૌમૂત્રથી થશે ખેડૂતોને કમાણી : સરકાર ખરીદશે પ્રતિ લીટર ૧૦ રૂપિયા

ઉત્તર પ્રદેશમાં હવે ગૌમૂત્રથી થશે ખેડૂતોને કમાણી : સરકાર ખરીદશે પ્રતિ લીટર ૧૦ રૂપિયા

Published : 14 August, 2026 10:53 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુલંદશહરની આસપાસનાં ૧૫ ગામોને સાંકળી લઈને શરૂ કરવામાં આવ્યો પાઇલટ પ્રોજેક્ટ

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ


ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રખડતાં પશુઓની સમસ્યાના ઉકેલ માટે તેમ જ ગૌપાલકોની આવકમાં વધારો કરવાના હેતુથી ગૌમૂત્ર ખરીદવાની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. આ યોજના હેઠળ શરૂઆતમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ગૌમૂત્ર ખરીદવામાં આવશે. 

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જણાવ્યા પ્રમાણે ગૌમૂત્રની ખરીદીની આ નીતિથી ગૌસંવર્ધનને પ્રોત્સાહન મળશે તથા ગ્રામીણ અર્થતંત્ર, મહિલા સશક્તીકરણ અને જૈવિક ખેતીને ફાયદો થશે. 
પ્રારંભિક તબક્કે બુલંદશહરની આસપાસનાં ૧૫ જેટલાં ગામોને સાંકળી લઈને આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવશે.



શું થશે ગૌમૂત્રનું?
એકત્રિત કરાયેલા ગૌમૂત્રમાં વિવિધ જડીબુટ્ટીઓ ભેળવીને ખેતી માટે ઉપયોગી જૈવિક ખાતર, જંતુનાશકો અને દવાઓ તૈયાર કરવામાં આવશે. આ ઉત્પાદિત જૈવિક ખાતર, જંતુનાશકો અને દવાઓ સમિતિઓ મારફત ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ પાઇલટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓના વિકલ્પ તરીકે જૈવિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત દૂધ ન આપતાં પશુઓને રખડતાં છોડી દેવાની માનસિકતા પર પણ આ યોજનાથી અંકુશ લગાવી શકાશે.


દરરોજનું ૫૦૦ લીટર ગૌમૂત્ર
ઉત્તર પ્રદેશ સરકારનો આ પાઇલટ પ્રોજેક્ટ બુલંદશહર જિલ્લાની સ્યાના તહસીલના નરસૈના ગામથી ફાર્મર પ્રોડ્યુસર ઑર્ગેનાઇઝેશન (FPO) મારફત શરૂ કરવામાં આવ્યો છે. ડૉ. પ્રવીણના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ પ્રયોગમાં ગૌમૂત્ર એકત્રિત કરવા માટે સ્થાનિક સ્તરે ૨૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીઓ દરેક સંલગ્ન ગામમાં મૂકવામાં આવી છે. હાલમાં દરરોજ આશરે ૫૦૦ લીટર ગૌમૂત્ર એકઠું કરવામાં આવી રહ્યું છે અને ગૌમૂત્ર ખરીદીનો ભાવ ૧૦ રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવ્યો છે જે ભવિષ્યમાં વધારીને ૨૦ રૂપિયા પ્રતિ લીટર કરવાની યોજના છે.
આ સમગ્ર વ્યવસ્થામાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ગૌમૂત્ર એકત્રિત કરવામાં મદદ કરતી મહિલાઓને પ્રતિ લીટર બે રૂપિયાનું કમિશન આપવામાં આવી રહ્યું છે. 
હાલ ૩૦૦ જેટલી મહિલાઓના સહયોગથી ગૌમૂત્ર એકત્રીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વળી આ તમામ મહિલાઓને સહકારી મંડળીમાં શૅરહોલ્ડર બનાવવામાં આવી છે, જેથી તેમને પોતાના ગામમાં જ વધારાની આવક મેળવવાનો નવો માર્ગ મળી રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 10:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK