બાબા સિદ્દીકી અને સિધુ મૂસેવાલાની હત્યા તથા સલમાન ખાનના ઘરે ગોળીબાર કરાવવાના આરોપ છે તેના પર
અનમોલ બિશ્નોઈને ગઈ કાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે તેને ૧૧ દિવસ માટે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં મોકલ્યો હતો.
કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ અનમોલ બિશ્નોઈને આખરે ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલો અનમોલ ગઈ કાલે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઊતર્યો હતો. તેને NIAની ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સીધો પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકી હત્યાકેસ, સિધુ મૂસેવાલા હત્યાકેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર જેવા અનેક હાઈ-પ્રોફાઇલ કેસોમાં અનમોલ બિશ્નોઈ આરોપી છે.
નકલી પાસપોર્ટથી ભાગ્યો
ADVERTISEMENT
અનમોલ બિશ્નોઈએ જોધપુર જેલમાં સજા કાપી હતી. તેને ૨૦૨૧ની ૭ ઑક્ટોબરે મુક્ત કરવામાં આવ્યો હતો. અનમોલ એપ્રિલ ૨૦૨૨માં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતથી ભાગી ગયો હતો. તે નેપાલ, દુબઈ, કેન્યા અને કૅનેડા થઈને અમેરિકા ગયો હતો. વિદેશથી તેણે પંજાબી ગાયક સિધુ મૂસેવાલા અને બાબા સિદ્દીકીની હત્યાનું તથા સલમાન ખાનના ઘરે ગોળીબાર કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. બાદમાં ગયા વર્ષે કૅલિફૉર્નિયામાં અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારથી તે સ્થાનિક પોલીસની કસ્ટડીમાં છે.
અમેરિકાએ ડિપૉર્ટ કર્યો
મંગળવારે અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઓફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ અનમોલ બિશ્નોઈ સહિત ૨૦૦ લોકોને ભારત મોકલી દીધા હતા. આ ઇમિગ્રન્ટ્સમાં પંજાબના બે વૉન્ટેડ ગુનેગારોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના ૧૯૭ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હતા.
ઘણા ખુલાસા થશે
અનમોલ બિશ્નોઈ સામે ૧૮થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારોની સપ્લાય અને લૉજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે. NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અનમોલ લૉરેન્સ બિશ્નોઈનો મુખ્ય વિદેશી હૅન્ડલર હતો. તે એન્ક્રિપ્ટેડ ચૅનલો દ્વારા ખંડણી અને ધમકીઓ આપવાનું કામ કરતો હતો. કસ્ટડીમાં પૂછપરછ દરમ્યાન ઘણાં રહસ્યો ખૂલશે.’


