જે રિક્ષાચાલક મીટર-પરિવહનમાં ઇનકાર કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ટ્રાફિક વિભાગના નિર્દેશો અને મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ અને રિક્ષા-ડ્રાઇવર્સ અસોસિએશને મંગળવારથી કલ્યાણમાં મીટરઆધારિત પૅસેન્જર-પરિવહન શરૂ કર્યું હતું. આ સુવિધાને કારણે મુસાફરો રિક્ષા માટે લાઇનમાં ઊભા રહ્યા વિના સ્વતંત્ર રીતે મુસાફરી કરી શકશે. જો કોઈ રિક્ષાચાલક મીટર-પરિવહન માટે ઇનકાર કરે છે તો તેની ફરિયાદ કરવા નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. એ ઉપરાંત રિક્ષાચાલકોને પણ અમે ચીમકી આપી છે કે જે રિક્ષાચાલક મીટર-પરિવહનમાં ઇનકાર કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
જો કોઈ મીટર-પરિવહન માટે ઇનકાર કરે તો આ નંબર પર ફરિયાદ કરવી - 9423448824
પ્રશાસનની બેદરકારી : બે વર્ષનું બાળક ૨૦ ફુટ ઊંડી ગટરની ખુલ્લી ચેમ્બરમાં પડી ગયું
ADVERTISEMENT
થાણેમાં જ્ઞાનસાધના કૉલેજ પાસેના વિસ્તારમાં ફુટપાથ પર ચાલી રહેલું બે વર્ષનું બાળક ૨૦ ફુટ ઊંડી ગટરની ચેમ્બરમાં પડી ગયું હતું. સ્થાનિક લોકોએ તેને બચાવીને બહાર કાઢ્યું હતું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. રાબોડી વિસ્તારમાં રહેતો હમદાન કુરેશી તેના સંબંધીના ઘરે આવ્યો હતો. મમ્મી સાથે ફુટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે બૅલૅન્સ ખોરવાતાં તે ખુલ્લી ડ્રેનેજ ચેમ્બરમાં પડી ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ હમદાનને બહાર કાઢીને પહેલાં સરકારી હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ત્યાંથી તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ પોતાના બચાવમાં કહ્યું હતું કે લોખંડની પાઇપ ફસાઈ જતાં ગટરની ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રહી ગયું હતું. આ બનાવ બન્યા બાદ પાઇપ કાપી નાખવામાં આવી હતી અને ચેમ્બર યોગ્ય રીતે બંધ કરવામાં આવી હતી. ૨૦ ફુટ જેટલા ઊંડા ખાડામાં પડવા છતાં બાળક સદ્નસીબે બચી ગયું હતું, પરંતુ પ્રશાસનની આવી બેદરકારી માટે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર ખોદેલા ખાડાનો ૪૦ ફુટ પહોળો ભાગ ૪૦ ફુટ ઊંડે ધસી પડ્યો
થાણેમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઇટ પર ખોદેલા ખાડાનો ૪૦ ફુટ પહોળો અને ૩૫-૪૦ ફુટ ઊંડો ભાગ ધસી પડ્યો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે મુકુંદ સોસાયટી નજીક શ્રી લક્ષ્મીનારાયણ એન્ટરપ્રાઇઝની પ્રોજેક્ટ-સાઇટ પર મંગળવારે રાતે ૧૧.૩૦ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પાયા માટે ખોદવામાં આવેલા ખાડાનો ૪૦ ફુટ લાંબો અને ૩૫-૪૦ ફુટ ઊંડો ભાગ જમીનમાં વધુ ધસી પડ્યો હતો. પબ્લિકની સલામતી માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે આ વિસ્તારમાં બૅરિકેડ્સ ગોઠવ્યાં છે.
ઘાટકોપરની સ્કૂલમાં બીમાર પાડનારા સમોસા બનાવનારા કૅન્ટીન-માલિક સામે કેસ નોંધાયો - કૅન્ટીન માટે જરૂરી હેલ્થ-લાઇસન્સ પણ ન હોવાની કબૂલાત
ઘાટકોપરની કે.વી.કે. સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલની કૅન્ટીનમાં સમોસા ખાધા પછી ફૂડ-પૉઇઝનિંગ થયું હોવાના બનાવ બાદ સ્કૂલની કૅન્ટીનના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ૬ નવેમ્બરે સવારે સ્કૂલની કૅન્ટીનમાં સમોસા ખાધા આઠેક સ્ટુડન્ટ્સે ઊબકા અને ઊલટીની ફરિયાદ કરી હતી. પ્રિન્સિપાલે પોતે સમોસા ચાખ્યા ત્યારે તેમને કપૂર જેવી તીવ્ર વાસ આવી હતી. બાળકોને પ્રાથમિક સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને તબિયત સુધરતાં તેમને રજા આપવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ તાજેતરમાં કૅન્ટીનનું નિરીક્ષણ કર્યું હતું અને કૅન્ટીનના વાસણમાંથી તેલના નમૂના લીધા હતા. વધુ તપાસ માટે ચાર ગૅસ-સિલિન્ડર અને સ્ટવ પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પૂછપરછ દરમ્યાન કૅન્ટીનના માલિકે કબૂલ્યું હતું કે તેણે કૅન્ટીન ચલાવવા માટે જરૂરી હેલ્થ-લાઇસન્સ મેળવ્યું નહોતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને ઘટનાની વધુ પૂછપરછ શરૂ કરી છે.
ESIC નગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને હરે રામ હરે ક્રિષ્ના કરવાનો પ્રસ્તાવ
ડી. એન. નગરથી મંડાલે વચ્ચે શરૂ થનારી મેટ્રો 2B પરના અંધેરીના ESIC નગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને હરે રામ હરે ક્રિષ્ના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કમિશનર રવીન્દ્ર વાયકરે નાયબ મુખ્ય પ્રધાન અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદે સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. MMRDA દ્વારા વધુ બે સ્ટેશનોનાં નામ બદલવાની વિચારણા પણ થઈ રહી છે. મોગરા મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શંકરવાડી રાખવાનો અને બાંગુરનગરમાં અય્યપ્પા મંદિર નજીકના સ્ટેશનને અય્યપ્પા મંદિર નામ આપવાનો પ્રસ્તાવ પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે.


