ભારતમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પહોંચી ગયું છે, પરંતુ શક્તિશાળી મોસમી પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ થોડોક લંબાઈ જવાના અને ભયંકર ગરમી શરૂ થવાના આસાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આપણે ચોમાસું ક્યારે મુંબઈ પહોંચશે એની આશામાં છીએ ત્યારે અમેરિકાના નૅશનલ ઓશનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડ્મિનિસ્ટ્રેશન (NOAA) નામના ક્લાઇમેટ-પ્રેડિક્શન સેન્ટરે ગુરુવારે જાહેર કર્યું છે કે પૃથ્વી પર એલ નીન્યો નામની પરિસ્થિતિ આકાર લઈ ચૂકી છે અને એની અસર ભારતની નજીકના પૅસિફિક મહાસાગરમાં પણ દેખાવા લાગી છે. આ પરિસ્થિતિને કારણે ચોમાસું નબળું પડી શકે છે અને ભીષણ ગરમી અને દુકાળ જેવી સ્થિતિ નિર્માણ થાય એવી સંભાવનાઓ હવે છેક બારણે આવી ગઈ છે. NOAAના અનુમાન મુજબ આવનારા મહિનાઓમાં એલ નીન્યો હજી વધુ મજબૂત થઈ શકે છે. આ એવી પરિસ્થિતિ છે જેને કારણે દુનિયાના મોટા ભાગના હિસ્સામાં દુકાળ, પૂર, ભીષણ ગરમી કે બેફામ વરસાદ જેવી મોસમી ઘટનાઓ આકાર લેશે. સામાન્ય રીતે દર બેથી ૭ વર્ષે આવી મોસમી પરિસ્થિતિ રચાતી હોય છે, પરંતુ આ વર્ષે વધુ ચિંતા એટલા માટે છે કેમ કે NOAAએ પૅસિફિક મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એલ નીન્યો નિર્માણ થવાનું અનુમાન કર્યું છે. આ જ કારણોસર મોસમ વિજ્ઞાનીઓએ આવનારા આ ખતરાને ફિલ્મી નિકનેમ આપ્યું છે – ગૉડઝિલા એલ નીન્યો. ૧૯૫૦ની સાલથી આ ઘટના વિશેની નોંધ શરૂ થઈ છે. એ પછીનું સૌથી પાવરફુલ, સૌથી ખતરનાક એલ નીન્યો આ વર્ષે દુનિયાને ધમરોળશે એવું કહેવાય છે.
એલ નીન્યો શું છે?
ADVERTISEMENT
એલ નીન્યો પ્રશાંત મહાસાગરમાં સર્જાતી કુદરતી ઘટના છે. પૅસિફિક મહાસાગરના પૃથ્વી પરની ભૂમધ્યરેખા જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ એ વિસ્તારના સમુદ્રના પાણીની સપાટીનું તાપમાન નિશ્ચિત કરતાં વધી જાય ત્યારે એલ નીન્યો સર્જાય છે એવું કહેવાય છે. સપાટીનું તાપમાન વધી જાય છે ત્યારે ત્યાંથી વહેતો પવન પણ હલકો અને ગરમ થઈ જાય છે. એને કારણે વૈશ્વિક વાયુમંડળમાં મોસમ બદલાય છે જે દુનિયાભરની મોસમ પર અસર કરે છે. નિષ્ણાતોના મતે આ પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન હજી વધુ વધશે જે દુનિયાભરમાં મોસમી ઊથલપાથલ રચશે.
અસર શું?
અમેરિકાના મધ્ય અને ઉત્તર ભાગોમાં શિયાળો ગરમ અને સૂકો રહેવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ભારત, ઇન્ડો-ચાઇના દ્વીપમાં ભીષણ ગરમી અને ઓછા વરસાદને કારણે દુકાળ જેવી સ્થિતિ બનશે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં નૉર્મલ કરતાં ૧૦૦થી ૨૦૦ મિલીમીટર ઓછો વરસાદ પડે એવી સંભાવના છે.
