લૅન્ડ ઍન્ડ ડેવલપમેન્ટ ઑફિસ (L&DO) દ્વારા આ સંપત્તિને ગેરકાયદે ગણાવીને એને માત્ર ૬ દિવસમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ મસ્જિદનું વીજળી અને પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન નજીક આવેલી ઐતિહાસિક રેસકોર્સ મસ્જિદને લઈને નવો વિવાદ સર્જાયો છે. લૅન્ડ ઍન્ડ ડેવલપમેન્ટ ઑફિસ (L&DO) દ્વારા આ સંપત્તિને ગેરકાયદે ગણાવીને એને માત્ર ૬ દિવસમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ મસ્જિદનું વીજળી અને પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
મસ્જિદના સંચાલકોના જણાવ્યા મુજબ આ એક વક્ફ સંપત્તિ છે અને એ ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના સત્તાવાર હેરિટેજ રજિસ્ટરમાં પણ સામેલ છે. આ વિવાદ વિશે જમિયત ઉલેમા-એ-હિન્દના જનરલ સેક્રેટરી મૌલાના મોહમ્મદ હકીમુદ્દીન કાસમીની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે એક મેમોરેન્ડમ સોંપીને આ મસ્જિદ અને એની બાજુમાં આવેલા કબ્રસ્તાનનું રક્ષણ કરવા માટે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે.
પ્રતિનિધિમંડળે ૧૯૭૭ના દિલ્હી ગૅઝેટનો હવાલો આપીને કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા વિના મસ્જિદમાં કોઈ પણ પ્રકારની તોડફોડ ન કરવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત ત્યાં નમાજ પઢવા આવતા લોકો માટે પાણી અને વીજળીની સુવિધા ફરી શરૂ કરવા પણ જણાવાયું હતું. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ રજૂઆત સાંભળીને આ સમગ્ર મામલે તમામ શક્ય પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું.
