ભારત જપાનને પાછળ છોડીને સફળતાપૂર્વક ૪.૧૮ ટ્રિલ્યન ડૉલરના કદ સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે ભારત જપાનને પાછળ છોડીને સફળતાપૂર્વક ૪.૧૮ ટ્રિલ્યન ડૉલરના કદ સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. મજબૂત વૃદ્ધિ ધરાવતા આંકડાઓની પૃષ્ઠભૂમિ પર ભારત ૨૦૩૦ સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે તૈયાર છે જે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનશે.
સરકારની પ્રેસ-રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે ૪.૧૮ ટ્રિલ્યન ડૉલરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) મૂલ્ય સાથે ભારત જપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ૨૦૩૦ સુધીમાં ૭.૩ ટ્રિલ્યન ડૉલરના અંદાજિત GDP સાથે આગામી ૨.૫થી ૩ વર્ષમાં જર્મનીને ત્રીજા ક્રમેથી હટાવવા તૈયાર છે.
GDP મૂલ્યના આધારે અમેરિકા અને ચીન વિશ્વનાં ટોચનાં બે અર્થતંત્રો છે.
ફુગાવો નીચા સ્તરે રહેવો, બેરોજગારીમાં ઘટાડો અને નિકાસ-કામગીરીમાં સુધારો જેવા સૂચકાંકોને લીધે ભારત આ પ્રગતિ કરી શક્યું છે એમ ભારત સરકારે જણાવ્યું હતું. ૨૦૨૫-’૨૬ના બીજા ક્વૉર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP ૮.૨ ટકા વધ્યો હતો જે પહેલા ક્વૉર્ટરમાં ૭.૮ ટકા અને ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં ૭.૪ ટકા હતો.


